વિદ્યાર્થીઓ વેક્સિનેશન બાદ જ પરીક્ષાનું ફોર્મ ભરી શકશે
૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓ વેક્સિનેશન પછી ગુજરાત ટેકનો. યુનિવર્સિટીની પરીક્ષાનું ફોર્મ ભરી શકશે
અમદાવાદ, ભારત સહિત ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. દરરોજ નવા કેસમાં મોટી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. હવે ૧ મેથી દેશભરમાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને કોરોનાની રસી મળવાની છે. આ માટે ૨૮ એપ્રિલથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પણ શરૂ થવાની છે. આ વચ્ચે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (GTU)એ એક મહત્વનો ર્નિણય લીધો છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં જ જાહેર કર્યા અનુસાર, આગામી ૧ મે ૨૦૨૧થી ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ઉપરના માટે પણ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ ર્નિણયને વધાવતાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) દ્વારા પણ મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે.
આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-૨૦૨૧ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ કે જે ૧ મે ૨૦૨૧ના રોજ ૧૮ વર્ષ કે તેથી મોટી ઉંમરના છે. આ તમામ વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સીન લેવી ફરજીયાત કરવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુ કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુમાં મોટા પ્રમાણમાં યુવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. કોવીડ-૧૯ના સમયમાં તેમનું સ્વાસ્થ્ય જળવાય રહે અને અભ્યાસમાં પણ કોઈ પ્રકારની હાની ના થાય તે હેતુસર, વિદ્યાર્થીના હિતને કેન્દ્ર સ્થાને રાખીને આ ર્નિણય લેવાયો છે.
આ સંદર્ભે જીટીયુ દ્વારા સંલગ્ન કૉલેજાેને પણ પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું છે કે, ૧૮ વર્ષથી ઉપરના તમામ વિદ્યાર્થીઓના વેક્સિનેશન પછી જ આગામી શૈક્ષણીક સત્ર વિન્ટર-૨૦૨૧ની પરીક્ષા ફોર્મ ભરવા દેવામાં આવે.