સરકાર લાચાર બની : ભારતમાં ૩.૩૨ લાખ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. નવા દર્દીઓના કેસમાં આપણો દેશ અમેરિકાથી પણ આગળ નીકળી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં રેકોર્ડ ૩ લાખ ૩૨ હજાર ૩૨૦ કેસ નોંધાયા છે. આ આંકડો દેશમાં અત્યાર સુધી એક દિવસમાં નોંધાયેલા સર્વાધિક કેસ છે. આ પહેલા ભારતમાં ગુરુવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે ૩ લાખ ૧૫ હજાર ૫૫૨ કેસ નોંધાયા હતા. મોતનો આંકડો પણ છેલ્લા બે દિવસખી ખૂબ જ ડરાવનારા આવી રહ્યા છે.
ગુરુવારે દેશમાં ૨,૫૫૬ લોકોએ કોરોનાથી દમ તોડી દીધો હતો. આખી દુનિયામાં બ્રાઝીલ પછી ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોનાથી એક દિવસમાં આટલા મોત થઈ રહ્યા છે. ગુરુવારે દેશમાં એક્વિટ કેસમાં પણ રેકોર્ડ વધારે થયો છે. એક જ દિવસમાં દેશમાં ૧ લાખ ૪૨ હજાર ૮૦ એક્ટિવ કેસ વધ્યા છે. હવે આખા દેશમાં ૨૪.૨૨ લાખ એક્ટિવ દર્દી છે, જેમની સારવાર ચાલી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧.૯૨ લાખ દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાથી દેશમાં હવે ૧.૫૯ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.
૧.૩૪ કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યારસુધી દેશમાં કોરોનાથી ૧.૮૪ લાખ લોકોનાં મોત થયા છે. દેશમાં ૨૪ કલાકમાં સૌથી વધારે ૫૬૮ મોત મહારાષ્ટ્રમાં થયા છે. જે બાદમાં દિલ્હીમાં ૩૦૬, છત્તીસગઢમાં ૨૦૭, ઉત્તર પ્રદેશમાં ૧૯૫, ગુજરાતમાં ૧૩૭, કર્ણાટકમાં ૧૨૩, પંજાબમાં ૭૫ અને મધ્ય પ્રદેશમાં ૭૫ લોકોનાં મોત થયા છે. આ આઠ રાજ્યમાં કુલ ૧૬૮૬ મોત થયા છે, જે કુલ ૨,૨૫૬ મોતના ૭૫ ટકા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા રેકોર્ડબ્રેક ૧૩,૧૦૫ કેસ નોંધાયા છે.
જેની સામે ૫,૦૧૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૩૭ દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૫,૮૭૭ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૭૮.૪૧ ટકા છે. રાજ્યમાં અત્યારે કુલ ૯૨,૦૮૪ દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાંથી ૩૭૬ દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં ૯૧,૭૦૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૩,૫૫,૮૭૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. દુનિયામાં અત્યારસુધી કોરોનાના કુલ ૧૪ કરોડ ૪૪ લાખથી વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે.
જેમાંથી ૩૦ લાખ ૭૧ હજાર દર્દીનાં મોત થયા છે. ૧૨.૨૨ કરોડ લોકો સાજા થઈ ગયા છે. હાલ ૧.૮૭ કરોડ લોકોની સારવાર ચાલી રહી છે. જેમાંથી ૧ લાખ ૯ હજાર ૮૪૫ દર્દીઓની હાલત ગંભીર છે. ૧.૮૬ કરોડ લોકોમાં સામાન્ય લક્ષણો છે. બુધવારે દુનિયામાં કોરોના વાયરસથી ૧૪,૦૮૮ લોકોનાં મોત થયા હતા. સૌથી વધારે ૩૧૫૭ મોત બ્રાઝીલમાં થયા હતા.