Western Times News

Gujarati News

મા કાર્ડ, આયુષ્માન યોજનામાં ઘૂંટણના ઓપરેશનનો ભેદ દૂર કરાયો

ગાંધીનગર : મુખ્યમંત્રી અમૃતમ, વાત્સલ્ય એમ મા-કાર્ડ અને પ્રધાનમંત્રી જન આરોગ્ય- આષ્યુમાન ભારત યોજના હેઠળ ઘુંટણના ઓપરેશનના પેકેજનો રેટ એક સમાન રૂ.૮૦,૦૦૦ સુધીનો જ રહેશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે સત્તાવારપણે તેમ જાહેર કર્યું હતું. અનેક હોસ્પટલોમાં મા કાર્ડને લઈને વિવાદ સર્જાયો હતો. કેટલીક હોસ્પટલોમાં મા કાર્ડમાં દર્દીની સારવાર કરવાની સ્પસ્ટ ના પાડવામાં આવતી હતી

જે અંગે ઉગ્ર રજૂઆતો કરવામાં આવતી હતી. આ ઉપરાંત ખાસ કરીને વૃધ્ધોમાં ઘુંટણના ઓપરેશનોમાં ખર્ચા માટે વિવાદ થયો હતો અને આખરે આ વિવાદને દૂર કરવા નિર્ધારીત ખર્ચ જાહેર કરવામાં આવ્યો છે. હવે પછી જે કોઈ પણ હોસ્પટલોમાં નિયમોનો ભંગ કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

સરકાર મા કાર્ડ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને એક ઘુંટણના ઓપરેશન પેટે પ્રાઈવેટ હોસ્પટલોમાં રૂ.૪૦,૦૦૦ અને બંને ઘુંટણના ઓપરેશન માટે રૂ.૮૦,૦૦૦ ની મર્યાદામાં સારવાર ખર્ચ ચૂકવે છે. ભારત સરકારના આયુષ્માન યોજના હેઠળ આ રેટની મહત્તમ મર્યાદા રૂ.૧.૩૦ લાખ નકકી કરાઈ હતી. આ ભેદને દૂર કરવા રાજયની પ્રાઈવેટ હોસ્પટલોના ડોકટર્સ, સિનિયર ઓર્થો સર્જન સાથે તાજેતરમાં બેઠક યોજીને ઓપરેશન ખર્ચ, મેડિકલ ઈક્વિપમેન્ટ  અંગે વિસ્તારથી છણાવટ કરવામાં આવી હતી.

તેમ જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, પ્રાઈવેટ પ્રેકિટસ કરતા સર્જન પણ ની- રિપ્લેસમેન્ટ માટે મા યોજના હેઠળ રૂ.૮૦,૦૦૦ સુધીના ખર્ચની મર્યાદા માટે સહમતી દર્શાવી હતી. આથી, ગરીબ અને મધ્યમવર્ગના નાગરીકો મા કાર્ડ કે આયુષ્માન ભારત એમ બેમાંથી કોઈપણ હેઠળ ઘુંટણનું ઓપરેશન કરાવશે તો તેના માટે સરકાર દ્વારા રૂ.૮૦,૦૦૦ ચુકવવામાં આવશે. લાભાર્થી નાગરીકોએ પ્રાઈવેટ હોસ્પિટલ ને કોઈ પણ રકમ ન આપવા તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.