રાત્રી કફ્ર્યુનો ભંગ બાદ લોકો અજીબો ગરીબ બહાના કાઢે છે
અમદાવાદ: હું ક્રિકેટ રમતો હતો એટલે મોડું થયું, હું મારા વર્કર્સને ટિફિન પહોંચાડવા ગયો હતો, હું હાલમાં જ ઈવનિંગ વોક માટે મારા ઘરેથી બહાર નીકળ્યો. જ્યારે પોલીસ રાત્રિ કર્ફ્યૂ દરમિયાન બહાર રખડતાં લોકોને અટકાવે ત્યારે તેમને આવી દલીલો સાંભળવા મળે છે. બુધવારે રાતે, વસ્ત્રાપુર પોલીસે શાહપુરમાં રહેતા ૨૭ વર્ષના ક્રિષ્ના બારૈયાને અટકાવ્યો હતો. જ્યારે તેણે પોલીસને કહ્યું કે, તે સાણંદ ક્રિકેટ રમવા ગયો હતો અને તેથી મોડું થઈ ગયું, ત્યારે પોલીસે નિયમનો ભંગ કરવા બદલ આઈસીપીની કલમ ૧૮૮ હેઠળ તેની ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ના વધતાં જતાં કેસને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ૭ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી, રાતે ૮થી સવારે ૬ વાગ્યાનું નાઈટ કર્ફ્યૂ જાહેર કર્યું છે. બીજા કિસ્સાની વાત કરીએ તો, વસ્ત્રાપુર પોલીસે જ્યારે ૪૨ વર્ષના અજય ભાવસારને અટકાવ્યો તો તેણે કહ્યું કે, તે શિવરંજની તેના વર્કર્સને ટિફિન આપવા ગયો હતો અને ટિફિન બનાવવામાં મોડુ થતાં તેને પણ મોડું થયું હતું. ત્રીજા કિસ્સામાં, નાઈટ કર્ફ્યૂ દરમિયાન ૨૫ વર્ષનો દુર્ગેશ જાેશી રસ્તા પર રખડતા ઝડપાયો હતો.
જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું નાઈટ વોક કરીને આવ્યો છું’. તેની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. અન્ય એક કિસ્સામાં, આશરે ૨૨ વર્ષના ત્રણ યુવકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ત્રણેયને વસ્ત્રાપુર પોલીસ દ્વારા એસજી હાઈવે પર કારમાં અટકાવવામાં આવ્યા હતા. વેજલપુરમાં રહેતા વિદિત જિંદુવાદીયા અને માનવ મંદિરના રહેવાસી હર્ષિલ ચાવડાએ પોલીસને કહ્યું હતું કે, તેઓ તેમના મિત્ર ઋષિ પટેલને મળવા માટે આવ્યા હતા, જે કારમાં બેઠેલો ત્રીજાે યુવક હતો. ઋષિ પટેલ બોડકદેવ વિસ્તારમાં રહે છે. અન્ય બે બનાવોમાં, આરોપીઓ કે જેમની સામે ફરિયાદ નોંધાઈ હતી તેમણે કહ્યું હતું
કે, ઓફિસમાં કામ કરવાના કારણે તેમને મોડુ થયું હતું. નારણપુરામાં રહેતા ૨૧ વર્ષનો સ્વાગત દાસે જણાવ્યું હતું કે, એસજી હાઈવે પર આવેલી ઓફિસમાં તે કામ કરતો હોવાથી મોડુ થયું હતું અને બીજા કેસમાં ૨૧ વર્ષીય વિનય સોલંકીએ પણ પોલીસને જાણ કરી હતી કે, તેની ઓફિસ પ્રહલાદનગરમાં છે અને તેથી મોડું થયું હતું.