ડીસામાંથી કૂટણખાનું ઝડપાયું, પતિ- પત્ની સાથે બે ગ્રાહકોની પણ અટકાયત
ડીસા: કોરોનાકાળ વચ્ચે ડીસા ડી. વાય. એસ. પી. સહિત દક્ષિણ પોલીસની ટીમે શહેરમાં ચાલતું કુટણખાનું ઝડપી પાડ્યુ છે. ડી. વાય. એસ. પી. ડૉ. કુશલ ઓઝાને મળેલ ચોક્કસ બાતમી આધારે પોલીસની ટીમે ડમી ગ્રાહક મોકલી કૂટણખાનું પકડ્યું છે. શહેરના એક ફ્લેટમાં ચાલતાં કુટણખાનામાં પહોંચી પોલીસે મુખ્ય આરોપી પતિ-પત્નિ અને અન્ય બે ગ્રાહકો સહિત કુલ ચાર વ્યક્તિને ઝડપી પાડ્યા છે. મુખ્ય આરોપી પતિ-પત્નિ ભાડાના ફ્લેટમાં કુટણખાનું ચલાવતાં હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે.
રેન્જ આઇજી જે.આર.મોથાલિયા અને બનાસકાંઠા પોલીસ વડા તરૂણ દુગ્ગલે જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા સુચના આપેલ છે. આ તરફ ડીસા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડો.કુશલ આર.ઓઝાને ચોક્કસ બાતમી મળી હતી કે, ડીસા શહેરના લાટી બજાર રોડ પરના એક ફ્લેટમાં કુટણખાનુ ચાલી રહ્યુ છે. જેથી ડીસા દક્ષીણ પી. આઈ. વાય.એમ.મિશ્રા અને પી. એસ. આઈ . ટી.એચ.પરમાર સહિતની ટીમને સાથે રાખી કાર્યવાહી કરી હતી. જેમાં ડમી ગ્રાહક મોકલ્યાં બાદ પંચ દ્રારા ઇશારો થતાં જ પોલીસે રેઇડ કરી હતી તેમજ પોલીસે કાર્યવાહી દરમ્યાન ફ્લેટમાંથી કુટણખાનું ચલાવનાર પતિ-પત્નિને ઝડપી પાડ્યા હતા.
જેમાં શહેરના ઇન્દીરાનગરમાં રહેતાં બાબુભાઇ હેમાભાઇ પરમાર અને રાધાબેન બાબુભાઇ પરમાર પરમાર ફ્લેટ ભાડે રાખી કુટણખાનુ ચલાવતાં હોવાનું ખુલ્યુ હતુ. આ સાથે કિશનજી ચેનજીજી ઠાકોર અને પ્રવિણભાઇ રતાભાઇ પરમાર ગ્રાહક બનીને આવ્યા હોવાનું સામે આવ્યુ છે. આરોપી પતિ-પત્નિ એક ગ્રાહક દીઠ રૂ.૫૦૦ લેતાં હોવાનું પણ તપાસમાં ખુલ્યુ છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ રૂ.૩૦૦૦ અને મોબાઇલ ફોન નંગ-૩ (,કિ.રૂ.૬૦૦૦) મળી કુલ કિ.રૂ.૯૦૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. આ સાથે ચારેય આરોપીઓ સામે અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.