ગ્લેનમાર્ક ફાર્માની કંપનીએ સેબીમાં IPO માટે પેપર ફાઇલ કર્યા
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે જણાવ્યું હતું કે, કંપનીની સંપૂર્ણ માલિકીની ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસે બજાર નિયમનકાર સંસ્થા સેબીમાં આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફર) માટે પ્રાથમિક પેપર્સ રજૂ કર્યા છે.
નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યા મુજબ, ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસે આઇપીઓ માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) રજૂ કર્યુ છે.
ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, ઓફરમાં રૂ. 1,160 કરોડ સુધીના ફ્રેશ ઇશ્યૂ અને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ દ્વારા ગ્લેનમાર્ક લાઇફ સાયન્સિસ લિમિટેડના 73,05,245 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (ઓએફએસ) સામેલ છે. દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ. 2 છે.
ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 16 એપ્રિલના રોજ એની બેઠક દરમિયાન આઇપીઓના ભાગરૂપે 73,05,245 ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફરને મંજૂરી આપી છે, જે દરેકની ફેસ વેલ્યુ રૂ. 2 છે.
ફાઇલિંગમાં ઉમેરવામાં આવ્યું હતું કે, આઇપીઓ બજારની સ્થિતિ, લાગુ મંજૂરી મળવાને અને અન્ય બાબતોને આધિન રહેશે.