માત્ર ૮ દિવસની સારવાર થકી ૪૭ વર્ષીય લક્ષ્મણભાઇ માછીએ આપી કોરોનાને માત
લક્ષ્મણભાઇ માછી કહે છે કે નર્મદા જિલ્લાની કોવિડ-૧૯ હોસ્પિટલોના તબીબો-પેરામેડીકલ સ્ટાફની અથાક મહેનત અને ઉત્તમ પ્રકારની સારવાર થકી જ હું સાજો થયો છું
રાજપીપલા :– હાલની કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને સરકારશ્રીની માર્ગદર્શિકા પ્રમાણ નર્મદા જિલ્લા કલેકટરશ્રી ડી.એ.શાહના નેતૃત્વ થકી શહેરી- ગ્રામ્ય વિસ્તારોમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે, ત્યારે કોરોનાથી સંક્રમિત થયેલાં દરદીઓ પણ કોરોનાને માત આપીને ઘરે પરત ફરી રહયાં છે. રાજપીપલાની આયુર્વેદિક કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતેથી વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના ચાણોદ ગામના ૪૭ વર્ષીય શ્રી લક્ષ્મણભાઇ અંબાલાલભાઇ માછીએ આજે કોરોનાને માત આપીને વતન પરત ફર્યા છે.
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી કોરોના મુક્ત થતાં શ્રી લક્ષ્મણભાઇ અંબાલાલભાઇ માછીએ પોતાના અનુભવ વર્ણવતા કહે છે કે, મને શરૂઆતમાં તાવ, માથાનો દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી એટલે તુરંત જ મે ચાણોદ હોસ્પિટલ ખાતે RTPCR ટેસ્ટ કરાવ્યો અને હું કોરોના પોઝિટીવ આવ્યો હતો. પરંતુ મારી તબીયત વધુ બગડતાં મારી ઇચ્છા રાજપીપલા ખાતે મારી બહેન રહેતી હોવાથી રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર લેવાની હતી એટલે હું તા.૧૬ મી એપ્રિલના રોજ રાજપીપલા કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે દાખલ થયો ત્યારે મને ઓકસિજન લેવામાં તકલીફ પડી રહે હતી એટલે તાત્કાલિક મને ઓકસિજન પૂરો પાડવામાં આવ્યો.
વધુમાં તેઓ જણાવે છે કે, મારું ઓક્સિજન લેવલ ઓછું ઓવાને કારણે મને પાંચ દિવસ સુધી સતત ઓક્સિજન પૂરો પાડયો હતો તેની સાથોસાથ રેમડેસીવીર ઇંજેકશનનો કોર્ષ પાંચ દિવસનો હોય છે તે પણ મે કર્યો હતો. તેમજ ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફના સહયોગ થકી હું માત્ર ૮ દિવસના ટુંકા ગાળામાં જ સાજો થયો છું.
શ્રી લક્ષ્મણભાઇ માછીએ લાગણી ભર્યા અવાજમાં કહે છે કે, હું રીક્ષા ચલાવીને મારૂં ગુજરાન ચલાવું છું એટલે મારી પાસે તો પૈસા કયાંથી હોય પરંતુ સરકારશ્રીની આ ઉત્તમ પ્રકારની સુવિધાઓ થકી મને નવજીવન મળ્યુ છે. હું સરકારશ્રીનો તેમજ પેરામેડીકલ સ્ટાફનો આભાર વ્યકત કરૂં છું.
રાજપીપલાની કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફીજીશીયન તરીકે સેવા આપતાં ડો.જે.એલ.મેણાતે કહયું કે, લક્ષ્મણભાઇ માછી કોવિડ-૧૯ હોસ્પિટલ ખાતે જ્યારે આવ્યા ત્યારે તેમની હાલત સારી નહોતી પરંતુ તેમને જરૂરીયાત પ્રમાણે ઓક્સિજન પુરો પાડવામાં આવ્યો છે. તેમને રેમડેસીવીર ઇંજેક્શન સહિત અન્ય જરૂરીયાત મુજબ ઇંજેક્શનો આપવામાં આવ્યાં છે. તેઓ સંપૂર્ણપણે સાજા થયા હોવાથી તેમને આજે ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. વધુમાં તેમણે વારંવાર સેનીટાઇઝેશનનો ઉપયોગ કરવાં, માસ્ક ફરજીયાત પહેરવાં, સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાં ઉપરાંત સરકારશ્રીની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાની ડો. મેણાતે વિનંતી કરી છે.