૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને ગુજરાતમાં 12 વર્ષ પૂરાં થયાં
સતત ૧૨ વર્ષથી સેવારત રાજ્યના નાગરિકોને અકસ્માત કે આપત્તિના સંજોગોમાં ત્વરિત સેવા આપતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ
- વર્ષ-૨૦૦૭માં ૫૩ જેટલી એમ્બ્યુલન્સ સેવાથી શરૂ કરાયેલી આ સેવામાં આજે ૫૮૯ એમ્બ્યુલન્સ કાર્યરત : બે બોટ એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ
- રાજ્યના ૩૩ જિલ્લાના ૬.૦૩ કરોડ નાગરિકોને ૨૫૭ તાલુકાઓ અને ૧૮ હજાર કરતાં વધુ ગામોને આવરી લેવાયા
- ૧૦૮ સેવા દ્વારા ૧૨ વર્ષમાં એક કરોડથી વધુ ઇમરજન્સી સેવાને પ્રતિસાદ, ૧ કરોડ મેડિકલ ઇમરજન્સી, ૩૫ લાખ પ્રસુતિ સંબંધિ ઇમરજન્સી, ૧૩ લાખ માર્ગ અકસ્માત સંબંધિ ઇમરજન્સીમાં સેવા પૂરી પડાઇ
રાજયમાં અકસ્માત કે આપતિના સમયે ઇજાગ્રસ્ત-બિમાર વ્યક્તિઓને તાત્કાલિક સારવાર પુરી પાડતી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને રાજ્યભરમાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડ્યો છે. ૨૯ ઓગસ્ટ, ૨૦૦૭ થી ૧૦૮નો પ્રારંભ થયો ત્યારે ગુજરાત દેશમાં આવી સેવા શરૂ કરનાર બીજું રાજ્ય હતું. ૨૯ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ ૧૦૮ સેવાને ગુજરાતમાં ૧૨ વર્ષ સફળતાપૂર્વક પુર્ણ થશે. માત્ર પ3 એમ્બ્યુલન્સથી શરૂ થયેલી સેવામાં આજે પ૮૯ એમ્બ્યુલન્સ (૨ બોટ એમ્બ્યુલન્સ સાથે) સેવાઓ કાર્યરત છે. સાથે સાથે ‘‘ખિલખિલાટ’’ સેવાથી પણ પ્રસૂતા માતાઓને સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૯-૨૦ માં કાર્યરત કુલ ૫૮૯ એમ્બ્યુલન્સો સાથે વધારાની નવી ૩૨૪ એમ્બ્યુલન્સો મળતા જુની એમ્બ્યુલન્સો બદલવા સાથે કુલ એમ્બ્યુલન્સોની સંખ્યા ૬૫૦ સુધી કરાશે.
રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યાનુસાર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના દ્રષ્ટીવંત નેતૃત્વ થકી ટેકનોલોજીના માધ્યમ દ્વારા ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાનો લાભ નાગરિકોને ઝડપથી પુરો પાડવા માટે ‘૧૦૮ ગુજરાત’ નામની અધ્યતન મોબાઈલ એપ્લીકેશન કાર્યરત કરાઇ છે જેના દ્વારા નાગરિકો આંગળીના ટેરવે આ સેવાનો લાભ લઇ રહ્યા છે. જેના થકી ડિજીટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં ગુજરાત દેશને નવો રાહ ચીંધ્યો છે. નાગરિકોને સમયસર તાત્કાલિક આરોગ્ય સારવાર પુરી પાડતુ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ટેક્નોલોજીની મદદથી ૫ મોડયુલ કાર્યરત કરાયા છે. આ એપ્લીકેશન દ્વારા સિટીઝન મોડ્યુલ, ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર મોડ્યુલ, પાયલોટ (ડ્રાઇવર) મોડયુલ, ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન મોડ્યુલ અને હોસ્પીટલ મોડ્યુલ પણ કાર્યરત છે. ૨૨મી ઓગસ્ટ, ૨૦૧૯ સુધીમાં ૧૦૮ મોબાઈલ એપ્લીકેશન નું સીટીજન મોડ્યુલને ૧.૪ લાખ કરતાં પણ વધુ નાગરિકો દ્વારા ડાઉનલોડ કરવામાં આવ્યું છે.
રાજ્યના નાગરિકોની આરોગ્ય કાળજી માટે તત્પર રાજ્ય સરકારે ૧૦૮ની સેવાને વ્યાપક અને પરિણામલક્ષી બનાવી છે. અગાઉ માત્ર હોસ્પિટલ કે ટ્રસ્ટની એમ્બ્યુલન્સ દ્વારા જ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડતા હતા પણ આજે રાજ્યના ખૂણે-ખૂણે ગણતરીની મિનિટોમાં જ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ છે. એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોને મળે છે. ૧૦૮ સેવાના અસરકારક અમલીકરણ માટે રાજય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજજ ૧૫ એકર જેટલા વિશાળ વિસ્તારમાં કાયમી સુદ્રઢ વ્યવસ્થાના ભાગ રૂપે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર નરોડા, અમદાવાદ ખાતે કાર્યરત કરવામા આવ્યું છે. જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરિકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
રાજય સરકારની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા દ્વારા દરરોજ સરેરાશ ૩૩૦૦ જેટલા દર્દીઓને કટોકટીના સમયે હોસ્પિટલ સુધી પહોચાડવાની નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. ૧૦૮ નંબર પર આવેલા ૯૫% જેટલા ફોન કોલને પ્રથમ બે રિંગમાંજ પ્રતિસાદ આપવામાં આવે છે જે આંતરરાષ્ટ્રીય સ્તર અને ધોરણ કરતાં પણ વધુ સારી ગુણવતા છે. દર ૨૫ સેકન્ડે એક ૧૦૮ એમ્બ્યુલન્સ ઇમરજન્સી કેસને પ્રતિસાદ આપવા માટે રવાના થાય છે. ૧૧ વર્ષ ૧૧ મહિનાના સમયગાળામાં ૧ કરોડ કરતા વધારે લોકોને કટોકટીના સમયમાં સેવા, ૧.૪ લાખથી વધુ પોલીસ અને ૫.૪ હજારથી વધુ ફાયર માટેની સેવા આપવામા આવી છે.
આમ કુલ ૧ કરોડ કરતા વધુ ઇમરજન્સી કેસમાં પ્રતિસાદ આપવામાં આવે છે. મુખ્ય મેડિકલ ઇમરજન્સી કેસોમાં ગર્ભાવસ્થા સંબંધિત કેસોમાં ૩૫,૫૯,૬૪૫, માર્ગ અકસ્માત સંબંધિ કેસોમાં ૧૩,૪૧,૪૭૦, હ્રદય રોગ સંબંધિત કેસમાં ૪,૮૬,૭૩૬, શ્વાસને લગતા ૫,૦૪,૮૧૦ કેસોમાં સારવાર પુરી પાડવામાં આવી છે. ૧૧ વર્ષ ૯ મહિનાના સમયગાળામાં રાજ્યભરમાં કાર્યરત ૧૦૮ એમ્બ્યુલન્સો દ્વારા ૩૦ કરોડથી વધારે કિલોમીટરનું સંચાલન કરીને રોજના સરેરાશ ૯, ૭૦૦ કરતાં વધારે કૉલ ને પ્રતિસાદ આપવામાં આવે છે.
૮.૫ લાખ થી વધુ વિકટ પરિસ્થિતીમાં મુકાયેલ મહામુલી માનવ જિંદગીઓને બચાવી છે. પ્રતિ કલાકે ૧૩ મહામુલી માનવ જીંદગી બચાવવામાં આવે છે. ૧૦૮ એમ્બુલન્સ સ્ટાફ દ્વારા ૯૪ હજારથી વધુ પ્રસૂતિઓમાં મદદ. ૧૦૮ એમ્બુલન્સ શહેરી વિસ્તારમાં શરેરાશ ૧૪ મિનીટ ૪૫ સેકંડ અને ગ્રામ્ય વિસ્તાર માં શરેરાશ ૨૩ મિનીટ ૫૧ સેકંડ માં દર્દી સુધી પહોંચે છે. ગુજરાત ૧૦૮ સેવાના અત્યાધુનિક ૨૪ કલાક કાર્યરત ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટરની કુલ ૩૩,૦૦૦ કરતા પણ વધારે દેશ-વિદેશના લોકોએ રૂબરૂ મુલાકાત લઇને૧૦૮ની આ સેવાથી પ્રભાવિત થયા છે.
દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરી છે. વ્યૂહાત્મક સ્થળે હાલ ૨ (બે) બોટ એમ્બ્યુલન્સ સેવા પોરબંદર અને બેટદ્વારકા ખાતે કાર્યરત કરેલ છે. આ સેવા દ્વારા કુલ ૧૧૪ જેટલા લોકોને કટોકટીની પળોમાં સેવાનો લાભ મળેલ છે. બોટમાં ૧ કેપ્ટન, ૩ સહાયક કર્મચારીઓ અને તાલીમબધ્ધ ૧ ઇમરજન્સી મેડીકલ ટેકનીશીયન સહિત પ સભ્યોની ટીમ ર૪ કલાક કાર્યરત રહેશે. નવજાત શિશુને સારી આરોગ્ય સેવા મળે અને બાળ મૃત્યુ દર ઘટાડવાના ઉદ્દેશ્યથી ગુજરાત સરકાર દ્વારા ૨૮ નવી નિયોનેટલ એમ્બ્યુલન્સ મંજુર કરાઇ છે અને જે ટૂંક સમયમાં કાર્યાન્વિત કરાશે.