મહિલા ડોક્ટર ૧૮૦ કિમી સ્કૂટી ચલાવી હોસ્પિટલ પહોંચી
બાલાઘાટ: કોરોના વાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, આવામાં દેશમાં સતત વધતા કેસનો કારણે વાયરસ સામે લડવા માટે ક્યાંક કર્ફ્યૂ તો ક્યાંક લોકડાઉનનો સહારો લેવામાં આવી રહ્યો છે. આવામાં એક કોરોના વોરિયરે બસો બંધ હોવાથી લોકોની મદદ માટે ૧૮૦ કિલોમીટર સ્કૂટી ચલાવ્યું છે.
કોરોનાના કાળા કેર વચ્ચે કેટલીક બાબતો મનને ઠંડક આપનારી સાબિત થઈ રહી છે. આ પણ તેમાનું જ એક ઉદાહરણ છે અને આ ઉદાહરણ પરથી સાબિત થાય છે કે હજુ માનવતા મરી નથી પરવારી.. મધ્યપ્રદેશના બાલાઘાટથી મુશ્કેલ સ્થિતિમાં દેશની દીકરી દર્દીઓની મદદ માટે એકલી ૧૮૦ કિલોમીટરનું અંતર કાપીને મહારાષ્ટ્રના નાગપુર પહોંચી ગઈ અને સારવારમાં જાેડાઈ ગઈ.
બાલાઘાટના ડૉક્ટર પ્રજ્ઞા ઘરડે રજાઓમાં પોતાના ઘરે ગયા હતા. આ દરમિયાન કોરોનાનું સંક્રમણ વધી ગયું અને મહારાષ્ટ્રથી મધ્યપ્રદેશ આવનારી બસોને રોકી દેવામાં આવી. ટ્રેનમાં જગ્યા નહોતી મળી રહી તો ડૉ. પ્રજ્ઞાએ મધ્યપ્રદેશથી સ્કૂટી લઈને મહારાષ્ટ્રના નાગપુર જવાનું નક્કી કર્યું. તેઓ સતત સાત કલાક સુધી સ્કૂટી ચલાવીને નાગપુર પહોંચ્યા.
ડૉ. પ્રજ્ઞાએ જણાવ્યું કે, નક્સલ પ્રભાવિત વિસ્તાર હોવાના કારણે તેમના પરિવારના સભ્યો તેમને રોકવાની કોશિશ કરી રહ્યા હતા. લોકડાઉનના કારણે તેમને રસ્તામાં ખાવા-પીવાનું કશું જ ના મળ્યું. કડક તડકો અને ગરમીના કારણે ઘણી મુશ્કેલીઓ પડી, પરંતુ તેમણે પોતાના કર્તવ્યને આગળ રાખીને તમામ મુશ્કેલીઓ વેઠી લીધી.
સ્કૂટી લઈને ૧૮૦ કિલોમીટરનું અંતર કાપનારા ડૉક્ટર પ્રજ્ઞા જણાવે છે કે, કોવિડ સેન્ટરમાં આરએમઓનું પદ તેઓ સંભાળે છે. તેઓ સાંજે એક અન્ય હોસ્પિટલમાં પણ દર્દીઓનો ઈલાજ કરે છે. માટે તેમણે રોજના ૧૨ કલાકથી વધુ સમય સુધી પીપીઈ કિટ પહેરીને કામ કરવું પડે છે. નાગપુરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધ્યા હોવાનું માલુમ પડતા તેઓ સ્કૂટી લઈને પોતાના કામ પર જવા માટે રવાના થઈ ગયા. આ ડૉક્ટરે કરેલી કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે. તેઓ તેમને ખરા અર્થમાં ભગવાન તરીકે જાેઈ રહ્યા છે.