વિના મૂલ્યે ઔષધીય વનસ્પતિ રોપ વિતરણમાં ૧૮,૦૦૦ લોકોએ લાભ લીધો
અમદાવાદ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળના ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ દ્વારા તા.૨૫/૦૮/૨૦૧૯ના રોજ અમદાવાદમાં જડેશ્વર વન, સરકારી સીવીલ હોસ્પિટલ સોલા ખાતે તેમજ ગાંધીનગરમાં તા. ૨૬/૦૮/૨૦૧૯ના રોજ સરકારી સીવીલ હોસ્પિટલ અને ચ-‘O’, વન વિભાગ નર્સરી ખાતે વિના મૂલ્યે ઔષધીય વનસ્પતિ રોપ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અંદાજીત ૧૭ થી ૧૮ હજાર લોકોએ પોતાના ઘરઆંગણે અને સંસ્થામાં ઔષધીય વનસ્પતિ ઉછેર માટે વિના મૂલ્યે રોપ વિતરણનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં ઘરગથ્થુ ઉપચાર માટે ઉપયોગી ઔષધીય વનસ્પતિ જેવી કે તુલસી, અરડુસી, નગોડ, પાનફુટી, અશ્વગંધા, બ્રાહ્મી, સતાવરી, સરગવો, કુંવારપાઠું, ગળો જેવી આશરે ૭૦ હજાર ઔષધીય વનસ્પતિ-રોપનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોએ રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે રોપ વિતરણનાં આ અભિગમને આવકારીને ઔષધીય વનસ્પતિ બોર્ડનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, પાલનપુર વન વિભાગો તેમજ સોલા અને ગાંધીનગર સીવીલ હોસ્પિટલના વહીવટી તંત્ર ઉપરાંત માલપુર વૃક્ષઉછેર મંડળીએ સક્રિય યોગદાન આપ્યું હતું, તેમ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવ્યું હતું.