પંજાબનો મુંબઈ સામે નવ વિકેટે આસાન વિજય થયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/KL-Rahul_PBKSvsMI-scaled.jpg)
મુંબઈ: કેપ્ટન લોકેશ રાહુલની અડધી સદી તથા ક્રિસ ગેઈલની આક્રમક બેટિંગની મદદથી કિંગ્સ ઈલેવન પંજાબે ઈન્ડિયન પ્રીમિયર લીગ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શુક્રવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે ૯ વિકેટે આસાન વિજય નોંધાવ્યો હતો. આઈપીએલ-૧૪માં ચેન્નઈમાં શુક્રવારે રમાયેલી મેચમાં પંજાબે ટોસ જીતીને મુંબઈને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબના બોલર્સે ચુસ્ત બોલિંગ પ્રદર્શન કરતા મુંબઈની ટીમ નિર્ધારીત ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૩૧ રન જ નોંધાવી શકી હતી. જેના જવાબમાં પંજાબની ટીમે ૧૭.૪ ઓવરમાં એક વિકેટે ૧૩૨ રન નોંધાવીને મેચ આસાનીથી જીતી લીધી હતી.
૧૩૨ રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી પંજાબની ટીમની શરૂઆત શાનદાર રહી હતી. મયંક અગ્રવાલ અને લોકેશ રાહુલની ઓપનિંગ જાેડીએ ૭.૨ ઓવરમાં ૫૩ રનની ભાગીદારી નોંધાવી હતી. મયંકે ૨૦ બોલમાં ૨૫ રન નોંધાવ્યા હતા. જાેકે, ત્યારબાદ ક્રિસ ગેઈલે તાબડતોબ બેટિંગ કરીને રાહુલનો યોગ્ય સાથ આપ્યો હતો. આ બંનેએ મુંબઈના બોલર્સની ધોલાઈ કરી હતી અને ટીમને આસાન વિજય અપાવ્યો હતો.
લોકેશ રાહુલે ૫૨ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ સિક્સર સાથે અણનમ ૬૦ રન નોંધાવ્યા હતા. જ્યારે ગેઈલ ૩૫ બોલમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સાથે ૪૩ રન નોંધાવીને નોટઆઉટ રહ્યો હતો. મુંબઈ માટે એકમાત્ર વિકેટ રાહુલ ચહરે લીધી હતી. મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી અને ૨૬ રનના સ્કોરે ટીમે બે વિકેટ ગુમાવી દીધી હતી. ક્વિન્ટ ડીકોક ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો જ્યારે ઈશાન કિશને ૧૭ બોલમાં ફક્ત છ જ રન નોંધાવ્યા હતા. જાેકે બાદમાં રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવે બાજી સંભાળી હતી. આ બંનેએ ૭૯ રનની મહત્વની ભાગીદારી નોંધાવી હતી.
પરંતુ બંને બેટ્સમેન તેમના આક્રમક અંદાજમાં જાેવા મળ્યા ન હતા. સૂર્યકુમાર યાદવે ૨૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૩૩ રન નોંધાવ્યા હતા જ્યારે રોહિત શર્માએ ૫૨ બોલમાં ૬૩ રન નોંધાવ્યા હતા જેમાં પાંચ ચોગ્ગા અને બે સિક્સર સામેલ હતી. પંજાબ કિંગ્સના બોલર્સનું પ્રદર્શન દમદાર રહ્યું હતું. તેમણે મુંબઈના બેટ્સમેનોને આસાનીથી રન નોંધાવા દીધા ન હતા. કેઈરોન પોલાર્ડ ૧૨ બોલમાં ૧૬ રનની અણનમ ઈનિંગ્સ રમી હતી જેમાં તે ફક્ત એક જ સિક્સર ફટકારી શક્યો હતો. હાર્દિક પંડ્યા એક અને કૃણાલ પંડ્યા ત્રણ રન નોંધાવીને આઉટ થયા હતા. પંજાબ માટે મોહમ્મદ શમી અને રવિ બિશ્નોઈએ બે-બે વિકેટ ઝડપી હતી.