ઓકસીજન ના કરકસર ભર્યા વપરાશ માટે 9 મુદ્દાની ઓકસીજન મેનેજમેન્ટ ગાઈડ લાઇન ઘડવામાં આવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/p-863-2-1024x874.jpeg)
ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે સયાજી ગોત્રી હોસ્પિટલો અને વિસ્તરણ હોસ્પિટલો ના 20 વરિષ્ઠ તબીબો ને ગાઈડ લાઇન ના અમલ માટે નોડલ અધિકારી નીમ્યા…
વડોદરા, કોવિડ ની સારવાર ની વાત કરવામાં આવે તો ઓકસીજન પણ એક કિંમતી ઔષધ જેવી અને જેટલી જ અગત્યતા ધરાવે છે અને સારવાર દરમિયાન તેના બગાડ કે લીકેજ ની સંભાવનાઓ અટકાવી ને કરકસર ભર્યો વપરાશ જરૂરી છે.
તેના અનુસંધાને ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે,6 તજજ્ઞ અને અનુભવી તબીબો ની મદદથી ઓકસીજન મેનેજમેન્ટ ગાઈડ લાઈન ઘડવા અને અમલમાં મૂકવાની પ્રેરક પહેલ કરી છે.આ ગાઈડ લાઈનમાં દર્દીઓ ને સર્વોચીત ઓકસીજન મળી રહે અને તેના બગાડ અને લિકેજની તમામ સંભાવનાઓને લઘુત્તમ રાખવા માટે લેવા યોગ્ય તકેદારીઓનો કાળજીપૂર્વક સમાવેશ કરવામાં આવ્યો છે.
તેના અનુસંધાને સયાજી અને ગોત્રી હોસ્પિટલો તેમજ અટલાદરા અને સમરસ હોસ્ટેલની વિસ્તરણ સારવાર સુવિધાઓ ખાતે જેમના નેતૃત્વ હેઠળ દર્દીઓની સારવાર થઈ રહી છે તેવા 20 જેટલા વરિષ્ઠ તબીબોને ઓકસીજન મેનેજમેન્ટ નોડલ અધિકારીઓ તરીકે નીમવામાં આવ્યાં છે.
તેમના નિમણુંક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે ઓકસીજન મેનેજમેન્ટ એ કોવિડ ટ્રીટમેન્ટ નું અનિવાર્ય પાસુ છે.અવિરત પુરવઠા ની જાળવણી માટે નું એક કદમ લીકેજ અને વેસ્ટેજ લઘુત્તમ રાખી ઓકસીજન નું મેનેજમેન્ટ છે.ઉપરોક્ત નોડલ અધિકારીઓ ને ગાઈડ લાઇન અનુસરીને ઓકસીજન નો કરકસરયુક્ત ઉપયોગ સુનિશ્ચિત કરવા જણાવવામાં આવ્યું છે.