Western Times News

Gujarati News

વડોદરાને પર્યાપ્ત માત્રામાં ઓકસીજન મળતો રહે તે માટે સરકાર સમક્ષ રજૂઆત કરાશે

વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૩,૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.જે પૈકી ૯૦૦૦ ઓકસીજન બેડ,૨૫૦૦ આઇ.સી. યુ બેડ અને ૧૧૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ

ઓકસીજનની હાલની ઉપલબ્ધતા જરૂરિયાતની ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં કરી સર્વગ્રાહી સમીક્ષા

વડોદરા, વડોદરામાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઓકસીજનની અછત કે કટોકટી ઉભી ન થાય તે માટે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે સરકીટ હાઉસ વડોદરા ખાતે ઓક્સિજનની હાલની જરૂરિયાત, ઉપલબ્ધતા અને ખૂટતા જથ્થા અંગેની પરિસ્થિતિની અધિકારીઓ સાથેની બેઠકમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં મેયરશ્રી કેયુર રોકડીયા, સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર જિલ્લાના ધારાસભ્યો, ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવ, મ્યુનિ.કમિશનર પી.સ્વરૂપ, કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી કિરણ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠક બાદ માધ્યમોને સંબોધતા રાજ્ય મંત્રી શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં સરકારી અને ખાનગી કોવિડની સારવાર કરતાં દવાખાનાઓમાં ઓકસીજન પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

હાલમાં શહેર જિલ્લામાં ઉપલબ્ધ જથ્થા સામે ઓક્સિજનની ઘટ છે. એની પૂર્તતા કરવા રાજ્ય સરકાર સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.વડોદરા શહેર જિલ્લાને કોવિડની પરિસ્થિતિમાં મળવા પાત્ર ઓકસીજનનો જથ્થો મળી રહે તે માટે આવતીકાલે મુખ્યમંત્રીને મળીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે.તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે જણાવ્યું કે રાજ્યમાં મહાનગરપાલિકાઓ અને તાલુકા મથકોએ ઓક્સિજનનો પૂરતો જથ્થો અસરકારક અને જરૂરી માત્રામાં મળી રહે તે માટે બે ઉચ્ચ અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે જેઓ ઓકસીજન વિતરણ વ્યવસ્થાની તકેદારી રાખી રહ્યા છે.

વડોદરા શહેરમાં અગાઉ ઉભી કરવામાં આવેલી સરકારી અને ખાનગી કોવિડ સારવાર કરતી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવામાં આવશે જેથી વ્યવસ્થા જળવાઈ રહે.

તેમણે જણાવ્યું કોવિડ સારવાર લેતા અને ઓક્સિજનની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને ઓક્સિજન મળી રહે તે માટે તંત્ર એ સુચારુ વ્યવસ્થા કરી છે.હાલમાં કોઇ મુશ્કેલી નથી.પરંતુ આગામી દિવસોમાં ઓકસીજનની વધુ જરૂરિયાત ઊભી થાય તો સભવત: પરિસ્થિતિને પહોંચી વળવા વડોદરાનું તંત્ર સજ્જ હોવાનું તેમને ઉમેર્યું હતું.

કોરોના સંક્રમણ વધી રહ્યું છે,ત્યારે કોરોના ના દર્દીઓને આમ તેમ જવું ન પડે તે માટે સૌ પ્રથમ શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. જો આ બંને હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ નહિ હોય તો જ દર્દીઓને અન્યત્ર મોકલમાં આવશે.

સમગ્ર રાજ્યમાં વડોદરામાં ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કોવિડનું અસરકારક મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે તેમ જણાવતા તેમણે કહ્યું કે કટોકટીના સમયમાં પણ શહેર જિલ્લાના તંત્રએ કોરોના દર્દીઓની સારવારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં પાછી પાની કરી નથી.પોલીસે પણ પ્લાઝમા ડોનેશન માટે અસરકારક વ્યવસ્થા ગોઠવી છે.

વડોદરા શહેર જિલ્લામાં કોરોના ના દર્દીઓને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે સાંસદ સહિત શહેર જિલ્લાના ધારાસભ્યો, પદાધિકારીઓ પ્રતિબદ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતું.ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે જણાવ્યું કે વડોદરાને હાલમાં ૧૭૦ ટન ઓક્સિજનની જરૂરિયાત સામે ૧૬૫ ટન જેટલો ઓકસીજન પુરવઠો મળી રહ્યો છે.

જેમાં પાંચ ટનની ઘટ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લેતા ઓકસીજનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળી રહે અને ઘટની પૂર્તતા સત્વરે પુરી કરવા માટે રાજ્ય સરકાર સાથે સંકલન સાધવું જરૂરી છે.ઓક્સિજનની ખામીથી કોઈ દુર્ઘટના ના બને તે માટે આગોતરૂ આયોજન કરવુ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

ડો. રાવે કહ્યું કે વડોદરામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં ૧૩,૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ છે.જે પૈકી ૯૦૦૦ ઓકસીજન બેડ,૨૫૦૦ આઇ.સી. યુ બેડ અને ૧૧૦૦ જેટલા વેન્ટિલેટર ઉપલબ્ધ છે.હાલમાં કટોકટીની પરિસ્થિત હોવા છતાં ૨૦૦૦ ઓકસીજન બેડ, ૨૦૦ થી ૨૫૦ જેટલા આઈ.સી.યુ બેડ અને વેન્ટિલેટર ખાલી છે.હાલમાં કોરોનાના ૧૦૦૦ દર્દીઓ વેન્ટિલેટર પર છે.વેન્ટિલેટર પણ ટર્ન મુજબ બે કલાકમાં મળી જાય છે.

તેમણે ઉમેર્યું કે વડોદરા શહેરમાં અન્ય જિલ્લાના ૨૦૦૦ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે વડોદરાને રિલાયન્સ જામનગરથી ત્રણ થી ચાર ટેન્કર,ભાવનગરથી બે ટેન્કર ઝઘડિયાથી એક ટેન્કર અને કરજણથી ૫૫ ટન ઓક્સિજન મળી રહ્યો છે. આ ઉપરાંત ભરૂચથી ખાનગી કંપની સાથે સંકલન કરી ૧૫ ટન ઓક્સિજન મેળવવામાં આવી રહ્યો છે. અન્ય જિલ્લાના સોર્સમાંથી વડોદરાને ઓકસીજનનો જથ્થો મળી રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.