Western Times News

Gujarati News

લોકડાઉન, અનલોક અને સમસ્ત મહાજનની અપરંપાર સેવાઓની સરવાણી

પરદુઃખે ઉપકાર કરવો એ માનવ જીવનને સાર્થક કરવાની પહેલી શરત, સમસ્ત મહાજનનાં અગણિત સેવાકાર્યના પાયામાં આ શુધ્ધ ભાવના, ગુરૂદેવોની પરમ કૃપા, સાધુ-સાધ્વી ભગવંતોના આશીર્વાદ તથા માર્ગદર્શન, દાતાઓનો સબળ સાથ અને ટ્રસ્ટીઓ, કાર્યકર્તાઓનો સેવા કરવાનો અખૂટ ઉત્સાહ સમાયાં છે.

કોરોના વાઈરસે સર્જેલી અકલ્પનીય પરિસ્થિતિ અને લોકડાઉનથી લઈને હમણાંના અનલોકના સમય સુધી સમસ્ત મહાજને જે સુકૃતો કર્યા છે એ અસાધરણ અને ખરા અર્થમાં અનુમોદનીય છે. સમસ્ત મહાજનના નામથી આખો દેશ પરિચિત છે. સેવાની વાત આવે, પરોપકારની વાત આવે કે વાત આવે અનુકંપા અને જીવદયાની, સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી આશીર્વાદરૂપ સંસ્થા બની છે.

એનું વધુ એક ઝળહળતું ઉદાહરણ કોરોના વાઈરસના સમયમાં મળ્યું. માર્ચ–૨૦૨૦ માં દેશ અને દુનિયામાં અકલ્પનીય લોકડાઉન લાગુ પડયો. કોઈએ ક્યારેય ધાર્યું નહીં હોય એ રીતે અજ્ઞાત બીમારી આપણા પર ત્રાટકી. શું કરવું અને શું ના કરવું એની ભાગ્યે જ કોઈને ગતાગમ પડે નહીં એ હદે સૌની બુધ્ધિ બહેર મારી જાય એવો એ કાળ.

એવા સમયમાં, અને લોકડાઉનની ઘોષણા થવાના ગણતરીના કલાકોમાં સમસ્ત મહાજને અનેકવિધ મોરચે સેવા કાર્યો આદરી દીધા. લક્ષ્ય સ્પષ્ટ હતું. માનવમાત્રથી લઈને અબોલ જીવો સુધી દરેકને એ કસોટીકાળમાં મદદરૂપ થવુ, તેમનાં આંસ લૂછવાં અને તેમને શાતા પહોંચાડવી.

સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ તેમના ગુરુદેવશ્રીની પરમ કૃપા થકી તથા જિનશાસનના અનેક સાધુ-સાધ્વી ભગવંતોનીના આશીર્વાદ અને માર્ગદર્શનથી સુકૃતો કરતા રહે છે. લોકડાઉનના સમયમાં ગિરીશભાઈએ ખંતપૂર્વક તરેહ તરેહની સેવા યોજનાઓ ઘડી. સમસ્ત મહાજનનો સંપૂર્ણ ટ્રસ્ટીગણ તથા હજારો કાર્યકર્તાઓએ પણ ગિરીશભાઈને આ માટે ઉત્સાહભેર સાથ આપ્યો. બસ, પછી શું હતું ?

એક તરફ આખી દુનિયા ચાર દિવાલો વચ્ચે પુરાઈ ગઈ હતી તો બીજી તરફ સમસ્ત મહાજનના સંકલ્પબધ્ધ સાથીઓ મેદાનમાં ઉતરી પડયા સેવા કાજે. મુંબઈ, મહારાષ્ટ્રના અનેક વિસ્તાર, ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક અને મધ્યપ્રદેશ જેવા વિસ્તારોને સમસ્ત મહાજનના સેવાકાર્યોમાં આવરી લેવામાં આવ્યા.

ગિરીશભાઈને સમાજોપયોગી કાર્યોમાં જે સંતોષ મળે છે એ અનેરો છે. ”આપણને મળેલો માનવ ત્યારે જ સાર્થક થયો કહેવાય જયારે આપણા થકી અન્યનાં જીવન પણ સુખી થાય. મારા ગુરુદેવે મને શીખવ્યું છે કે આપણે બીજા માટે જીવીએ એનો અર્થ પોતાના જીવનનું પણ કલ્યાણ કરીએ. લોકડાઉન શરૂ થયા સાથે અમે એટલું ઠરાવ્યું કે સરકારના તમામ નિયમોનું પાલન કરીને આપણાથી બનતી સેવાઓ સમાજના ખૂણેખૂણા સુધી પહોચાડવી.”

લોકડાઉનમાં સેવાઓ આદરવી અને આગળ વધારવી એ વાત કોઈ રીતે સહેલી નહોતી. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે જો કોરોના કોઈકને સ્પર્શી ગયો તો પોતાનાં જીવ પર, પોતાના આખા પરીવાર પર પણ જીવનું જોખમ આવે, એક ઠેકાણેથી બીજા ઠેકાણે પહોંચવું એ તો જાણે એવરેસ્ટ સર કરવા જેવું કામ થઈ પડયું, છતાં સમસ્ત મહાજન જેનું નામ ગિરીશભાઈના વડપણ હેઠળ સંસ્થાના કાર્યકર્તાઓ તથા ટ્રસ્ટીઓએ ડગલે ને પગલે જાતે જોખમ વહોરી લીધું પણ બીજાની પીડાઓ ઓછી કરવામાં બાંધછોડ કરી નહીં. ગયા માર્ચ મહિનાથી હમણાં સુધી સંસ્થાએ કરેલા કાર્યોની યાદી ખૂબ લાંબીલચક છે.

જરૂરીયાતમંદોને અનાજ-કરીયાણું આપવું, દહીંસર ચેકનાકા, ફાઉન્ટન હોટેલ જેવા વિવિધ સ્થળોએ માંડવા ઉભા કરીને વટેમાર્ગુઓને ભોજન, છાશ, શરબત, કાવો તથા માસ્ક અને દવાઓ પણ પૂરાં પાડવા, વિશિષ્ટ ભોજનરથ દોડાવીને ઠેરઠેર લોકોની ક્ષુધા સંતોષવી, રોટી બેન્ક જેવા અભિનવ ઉદ્યમ થકી રોજ હજારોની સંખ્યામાં રોટલીઓ એકઠી કરીને એને શાક, સુખડી વગેરે સાથે ભૂખ્યા લોકો સુધી પહોંચાડવી,

પોલીસ સહિત આવશ્યક સેવાઓ પૂરા પાડતાં સમર્પિત લોકોને પણ માસ્ક, છાશ, શરબત, ફળ, જયસ, નાળીયેર પાણી વગેરે પહોંચાડવા, નેપાળથી આવીને અહીં અટવાઈ ગયેલા નેપાળી બંધુઓની મદદ કરવી, ગૌશાળાઓ તથા પાંજરાપોળોને ઘાસચારાથી માંડીને આર્થિક મદદ પણ પહોંચાડવી, ગણ્યા ગણાય નહી એટલા કામ સતત થયાં.

મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, નવી મુંબઈ, વિરાર, જાલના, ગુજરાતમાં વાપીથી લઈને રાજકોટ, જામનગર, બનાસકાંઠા સુધી અનેક સ્થળો, કર્ણાટકમાં બેંગલોર, રાજસ્થાનમાં ઉદયપુર સ્થિત કેસરિયાજી જૈન તીર્થ, જોધપુર નજીક ઔસિયાં, નાગોર જિલ્લો, મધ્યપ્રદેશમાં માળવા તથા અન્ય વિસ્તારોમાં સંસ્થાએ અનેકવિધ સેવાકાર્યો સંપન્ન કર્યાં.

એક તરફ સંસ્થા પોતાના નેજા હેઠળ કાર્ય કરી રહી હતી તો બીજી તરફ એ તમામ સંસ્થાઓ સાથે પણ સેવારત થઈ જેમને મદદ, માર્ગદર્શનની જરૂર હોય એમને મદદ કરવામાં જે કોઈ યોગદાન અપેક્ષિત હોય તે સમસ્ત મહાજન તરફથી પહોંચી જતું. જે સંસ્થાઓ સાથે સમસ્ત મહાજને આ રીતે કામ કર્યુ તેમાંની થોડી એટલે વાપી સ્થિત ટિંકુ મેમોરીયલ ટ્રસ્ટ, વિરાર સ્થિત કરૂણા ટ્રસ્ટ, સંવેદના ફાઉન્ડેશન, કરૂણા ફાઉન્ડેશન,

સિધ્ધાચલ સ્થૂલભદુ ધામ, મોડપર જૈન તીર્થ, રેસ્કય એન્ડ રિહેબિલેશન ઓફ સ્ટ્રે એનિમલ્સ ફાઉન્ડેશન, મુંબઇ સ્થિત કબૂતરખાના, શિવ કલ્યાણ કેન્દ્ર, કેસરીયાજી સૈન તીર્થ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. લોકડાઉનમાં સૌથી વધુ તકલીફ કદાચ એ મજૂર વર્ગે ભોગવી જેમણે એક રાજયથી બીજા રાજય સુધી પગપાળા કે જાતજાતની તકલીફો વેઠીને પોતાના વતન પહોંચવા પ્રયાસ કર્યો.

આવા લાખો લોકો માટે સમસ્ત મહાજનનાં કાર્યો વરદાનરૂપ બન્યાં. આવા લોકોને હાઈવેથી માંડીને ટ્રેનમાં પણ મદદ પહોંચાડવામાં આવી. વતન પહોંચીને રોજગાર વિહોણા થયેલ લોકોની ચિંતા પણ સંસ્થાએ કરી. આવા અનેક લોકોને રોજગાર મળી રહે તે માટે સંસ્થાએ વરસાદી જળના સંગ્રહ માટે તળાવના નિર્માણનું કાર્ય આરંભી દીધું.

એનાથી મજૂરોને રોજીંદી આવક મળી તો ગામને પાણીની સમસ્યાના કાયમી નિકાલ માટે ઉપયોગી એવું તળાવ મળ્યું. સામાન્યપણે જયાં સૌ માનવીઓની ચિંતા કરવામાં વ્યસ્ત હતા ત્યાં સમસ્ત મહાજને જીવદયાનાં મોરચે પણ દર્શનીય કામગીરી કરી. અનેક ગૌશાળાઓ તથા પાંજરાપોળો લોકડાઉનમાં બેહદ આર્થિક અને સંચાલકીય તકલીફોમાંથી પસાર થઈ રહી હતી. સંસ્થાએ એમને નાણાકીય સગવડ તો કરી જ આપી, સાથે ઘાસચારાનો પ્રબંધ કરી આપ્યો અને બીજી મદદો પણ કરી.

ગિરીશભાઈ ઉમેરે છે. ” આપણે કદાચ આપણા આયુષ્યમાં ફરી કયારેય નહીં જોઈએ એવી કટોકટીમાંથી આપણે હાલમાં જ પસાર થયા. એવા સમયમાં સૌને મદદરૂપ થવા મળ્યું એને હું ગુરુભગવંતોના આશીર્વાદ ગણું છું. સાતે, દાતાઓનો સબળ સાથે પણ અમારા આ સંકલ્પમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.

માત્ર હું નહીં, સમસ્ત મહાજન સાથે સંકળાયેલી એક એક સેવાભાવી વ્યક્તિ આ સેવાકાર્યોના અનુભવો થકી જીવનનું વધુ સન્માન કરતા શીખી છે. કોઈકને મદદ કરવી એનો માર માટે એક જ અર્થ થાય છે કે જાતે પરમાત્મા સાથે સીધુ કનેકશન સાધવું.” હવે તો અનલોકનો સમય છે.

અત્યારે પણ સમસ્ત મહાજન લોકડાઉનમાં આરંભેલાં અને હાલમાં પણ ઉપયુકત એવાં અનેક સેવાકાર્યો આગળ વધારી રહી છે. આપણે એવી ભાવના સેવીએ કે સમસ્ત મહાજન દિન-પ્રતિદિન વધુ બળવતર થાય. એની સેવા થકી લાખો-કરોડો જીવન શાતા પામતા રહે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.