તબીબે પોતે હાથ લારી ચલાવી વૃદ્ધાને હોસ્પિટલ પહોંચાડ્યા
૧૦૮ ઇમરજન્સી સેવાની જાે રાહ જાેઈએ તો સંભવત મોડું થાય તે પ્રકારનું લાગી રહ્યું હતુંઃ ડોક્ટરનો મત
રાજકોટ, માનવતા મરી પરવારી હોય તે પ્રકારના બે જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે. એક કિસ્સામાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને ભરતી કરાવવા માટે પૈસા પડાવવામાં આવતા હતા. જ્યારે કે બીજા કિસ્સામાં સમરસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીના મૃતદેહ પરથી ઓર્નામેન્ટ્સ, રોકડ સહિતની ચોરી કરવામાં આવતી હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે.
તો બીજી તરફ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં ડોક્ટરે પોતે લારી ચલાવી પાડોશમાં રહેતા વૃદ્ધ અને હોસ્પિટલ સુધી પહોંચાડી હોવાના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ગોંડલ શહેરનો વાયરલ થઇ રહ્યો છે. જે વીડિયોમાં એક ડોક્ટર લારી ચલાવીને વૃદ્ધાને હોસ્પિટલે ખસેડી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
હિતેશ કાલરીયા એ જણાવ્યું હતું કે, વિડીયોમાં જે વૃદ્ધા દેખાઈ રહ્યા છે તે વૃદ્ધા તેમના પાડોશમાં રહે છે. જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે તે શુક્રવારના રોજ નો હોવાનું જણાવ્યું હતું. શુક્રવારના રોજ તેમના બાજુમાં રહેલા પાડોશી વૃદ્ધાની તબિયત બગડતા સૌપ્રથમ તેમને રીક્ષા મારફતે હોસ્પિટલ ખસેડવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ રિક્ષામાં બેસાડતી વખતે વૃદ્ધા પડી જતા તેમને લારીમાં સુવડાવીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ પડી હતી. ડોક્ટર હિતેશ કાલરીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ૧૦૮ ઇમરજન્સી સેવાની જાે રાહ જાેઈએ તો સંભવત મોડું થાય તે પ્રકારનું લાગી રહ્યું હતું.
જેના કારણે બાજુમાં રહેલી નાળિયેર ની રેકડી માં વૃદ્ધાને સુવડાવી હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. આમ, આપણે ત્યાં ડોક્ટર ને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ત્યારે ગોંડલ શહેરની ગોકુલ હોસ્પિટલ માં ફરજ બજાવનાર હિતેશ કાલરીયા એ સાચા અર્થમાં માનવતા મહેકાવી છે.