સગર્ભા મહિલા પોઝિટિવ હોવાથી જુનાગઢ સિવિલે ડિલિવરી ન કરાવી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/pregnant-88-1024x682.jpg)
પ્રતિકાત્મક
રાત્રીના અઢી વાગ્યે મહિલાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સવારે ગાયનેક ટીમ દ્વારા પ્રસૂતા કરાવી
રાજકોટ, રાજકોટના જિલ્લા કલેક્ટરે એક કોરોના પોઝિટિવ સગર્ભા મહિલા માટે પોતાની સંવેદના વ્યક્ત કરીને તેના માટે બેડની વ્યવસ્થા કરાવી આપી હતી. એટલુ જ નહિ સફળ ડિલીવરી પણ કરાવી અને આ મહિલાએ એક દિકરીને જન્મ આપ્યો.
મૂળ કોડિનારના પ્રિયંકાબેન બારડ સગર્ભા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇન્ફેકશન વધારે હોવાથી તેમને ઓક્સિજનના સપોર્ટની જરૂરિયાત હતી. જેથી જુનાગઢની સિવીલ હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા. જાે કે ડિલીવરી માટે પૂરતા દિવસો થઇ ગયા હોવાથી તાત્કાલિક ડિલીવરી કરવી પણ અનિવાર્ય હતી.
જાે કે જુનાગઢ સિવીલ હોસ્પિટલની કેટલીક મર્યાદાને કારણે ત્યાં ડિલીવરી કરવી શક્ય ન હતી. બીજી તરફ રાજકોટની સિવીલ હોસ્પિટલમાં પણ બેડની કટોકટી વચ્ચે મહિલાને ટ્રાન્સફર કઇ રીતે કરવા તે એક મોટો સવાલ હતો. આ અંગેની રજૂઆત જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને અધિક કલેક્ટર પરિમલ પંડ્યાને મળતા તેઓએ માનવતા દાખવી.
રાત્રીના અઢી વાગ્યે મહિલાને રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરીને સારવાર શરૂ કરાવી એટલુ જ નહિ સવારે ગાયનેક ડોક્ટરોની ટીમે તેની સફળ પ્રસૃતા કરાવી અને પ્રિયંકાબેને એક દિકરીને જન્મ આપ્યો. હાલમાં સિવીલ હોસ્પિટલમાં દિકરી અને પ્રિયંકાબેનની તબીયત સારી છે. દિકરીનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો છે.
કોરોના કાળમાં સગર્ભા મહિલાઓ જાે કોરોના પોઝિટિવ આવે તો તેની ડિલેવરી કરતા ગાયનેક ડોક્ટરો ડર અનુભવતા હોય છે. કેટલાક કેસોમાં પરિવારજનો મુશ્કેલીમાં મુકાય જતા હોય છે, ત્યારે રાજકોટની સિવીલ હોસ્પિટલમાં ડો.કમલ ગોસ્વામી અને તેની ટીમ દ્રારા પોઝિટિવ સગર્ભા મહિલાઓની પોતે સંક્રમિત થવાની પરવા કર્યા વગર ડિલેવરી કરે છે. જે ખરેખર કપરા કાળમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે.