પિતાના નિધન બાદ હિના ખાને પહેલી પોસ્ટ મુકી
મુંબઈ: એક્ટ્રેસ હિના ખાન અને તેના પરિવાર પર હાલ દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ૨૦મી એપ્રિલે હિના ખાનના પિતાનું દુઃખદ અવસાન થયું છે. પિતાના નિધનના ચાર દિવસ બાદ હિના ખાન સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ છે. તેણે આ દુઃખની ઘડીમાં તેનો અને તેના પરિવારનો સાથ આપવા બદલ ફેન્સનો આભાર માન્યો છે. હિના ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક નોટ શેર કરી છે.
જેમાં એક્ટ્રેસે લખ્યું, “મારા વહાલા પિતા અસલમ ખાન ૨૦ એપ્રિલ ૨૦૨૧ના રોજ સ્વર્ગે સિધાવ્યા છે. આ મુશ્કેલ ઘડીમાં મારા અને મારા પરિવારના ખબરઅંતર પૂછનારા તમામ લોકોનો આભાર માનું છું. હું અને મારો પરિવાર આ દુઃખ સહન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ મારી ટીમ આગામી વર્ક કમિટમેન્ટ માટે સંભાળશે. તમારા સહકાર અને પ્રેમ માટે આભાર. આ પોસ્ટ દ્વારા ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલથી પોપ્યુલર થયેલી હિના ખાને જણાવી દીધું છે
તે સોશિયલ મીડિયા પરથી બ્રેક લઈ રહી છે. હવે હિનાના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની ટીમ કામને લગતી પોસ્ટ મૂકશે. હિના ખાનને પિતાના નિધનના સમાચાર મળ્યા ત્યારે તે કાશ્મીરમાં એક્ટર શાહીર શેખ સાથે એક મ્યૂઝિક વિડીયોનું શૂટિંગ કરી રહી હતી. પિતાના નિધનના સમાચાર મળતાં જ હિના ખાન તાબડતોબ મુંબઈ આવી ગઈ હતી. હિના ખાનના પિતા સાથેના સંબંધો ખૂબ મૈત્રીપૂર્ણ હતા.
અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં હિના ખાને તેના પિતાને ‘પાર્ટનર ઈન ક્રાઈમ’ કહ્યા હતા. હિનાએ થોડા સમય પહેલા ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે એક્ટર બનવા માટે માતાપિતાને કહ્યા વિના જ મુંબઈ આવી હતી. તેને શોમાં રોલ મળ્યા બાદ તેણે જાણકારી આપી હતી. એ વખતે પિતાએ તેની સામે શરત મૂકી હતી કે ભણવાનું પૂરું કર્યા પછી જ એક્ટિંગ પર ધ્યાન આપે. હિનાએ તેમ કર્યું પણ હતું. હિના જ્યારે મુંબઈમાં એકલી પડી ત્યારે તેના પિતા જ દીકરીનો સાથ આપવા માટે મુંબઈ આવ્યા હતા.