PMKMY યોજનાઃ ૬૦ વર્ષ બાદ ખેડૂતોને દર માસે રૂા. ૩૦૦૦/- પેન્શન મળશે
પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના ખેડૂતો માટેની પેન્શન યોજના અંતર્ગત જિલ્લામાં આજે તા.૩૦ અને ૩૧ના રોજતાલુકા કક્ષાએ ખાસ નોંધણી ઝુંબેશ હાથ ધરાશે.
આણંદ પ્રધાનમંત્રી કિસાન માન-ધન યોજના (PMKMY) યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજનામાં ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા ખેડૂતો રૂા. ૫૫ થી ૨૦૦ સુધીના માસિક ફાળાથી યોજનામાં જોડાઇ શકશે. આ ફાળો ખેડૂતે ૬૦ વર્ષ સુધી જમા કરાવવાનો રહેશે. ખેડૂતોના ફાળા જેટલું સરકારનું યોગદાન રહેશે. ૬૦ વર્ષ બાદ ખેડૂતોને દર માસે રૂા. ૩૦૦૦/- પેન્શન મળશે. આ સ્વૈચ્છિક અને યોગદાન આધારિત પેન્શન યોજના છે.
પાત્રતા ધરાવતા ખેડૂતો આ યોજનામાં જોડાવા ઇચ્છુક હોય તો તેવા ખેડૂતોએ તેમના આધાર નંબર અને બેન્ક પાસબુક અથવા બેન્ક ખાતાની વિગતો સાથે નજીકના સામાન્ય સેવા કેન્દ્ર (CSC) નો અથવા તો ગ્રામ સેવકનો સંપર્ક કરી શકાશે. જે ખેડૂત કિસાન યોજનાનો લાભાર્થી હોય તો તેમને પી.એમ. કિસાનની સહાય મળેલ ખાતામાંથી તેનું સીધુ યોગદાન જમા કરાવવાની સંમતિ આપી શકે છે.
આ યોજનામાં ભારતીય જીવન વીમા નિગમ સંચાલિત પેન્શન નિધિમાં તેમનું યોગદાન જમા કરાવવાનું રહેશે. આ યોગદાન નિવૃત્તિની તારીખ એટલે કે ૬૦ વર્ષના થાય ત્યાં સુધી જમા કરાવવાનું રહેશે.કેન્દ્ર સરકાર પણ ફાળો આપનાર દ્વારા કરેલા યોગદાનના હિસ્સા જેટલો જ હિસ્સો પેન્શન ફંડમાં જમા કરાવશે.
આ યોજના હેઠળ નિવૃત્તિની તારીખ પહેલાં ખેડૂતનું આકસ્મિક મૃત્યુ થાય તો પતિ/પત્ની મરણ પામનાર ખેડૂતની બાકી વય સુધી બાકીનો ફાળો આપીને પેન્શન યોજના ચાલુ રાખી શકે છે. નિવૃત્તિ તારીખ પહેલાં મૃત્યુના કિસ્સામાં જો જીવનસાથી ન હોય તો વ્યાજ સાથેનો ફાળો વારસદારને ચૂકવવામાં આવશે.
જો નિવૃત્તિની તારીખ પછી ખેડૂતનું મૃત્યુ થાય તો પતિ/પત્નીને ૫૦ ટકા પેન્શન એટલે કે દર મહિને
રૂા. ૧૫૦૦/- કુટુંબ પેન્શન તરીકે મળશે.
આણંદ જિલ્લામાં નાના અને સીમાંત તમામ ખેડૂતોને આ યોજના હેઠળ સમાવી લેવા માટે જિલ્લા પ્રશાસન દ્વારા કલેકટર શ્રી દિલીપ રાણાના માર્ગદર્શન હેઠળ આ યોજનામાં વધુમાં વધુ ખેડૂતો લાભ લઇ શકે તે માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં તાલુકા કક્ષાએ આજે તા. ૩૦/૮/૧૯ અને તા. ૩૧/૮/૧૯ના રોજ ખાસ નોંધણી ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે.
તદ્અનુસાર આણંદ તાલુકામાં આણંદ ખાતે આણંદ બસ સ્ટેન્ડ , બોરસદ તાલુકામાં બોરસદ ખાતેના બોરસદ બસ સ્ટેન્ડ, આંકલાવ તાલુકામાં આંકલાવ તાલુકા પંચાયતના મીટીંગ હોલ, ઉમરેઠ તાલુકાના પણસોરાના સી.એસ.સી. સેન્ટર, ખંભાત તાલુકામાં ખંભાતના ખંભાત બસ સ્ટેન્ડ, પેટલાદ તાલુકાના પેટલાદની કોલેજ ચોકડી પાસે આવેલ એ.પી.એમ.સી., તારાપુર તાલુકામાં ઇન્દ્રણજ અને ખાખસર ગ્રામ પંચાયત અને સોજિત્રા તાલુકામાં સોજિત્રાના એગ્રી બીઝનેશ સેન્ટર ખાતે ખેડૂતોની નોંધણી કરવા માટેની ખાસ નોંધણી ઝુંબેશ અંતર્ગત કામગીરી હાથ ધરવામાં આવનાર હોઇ તેનો જિલ્લાના ખેડૂતોને મહત્તમ લાભ લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચિરાગ પટેલે અનુરોધ કર્યો છે.