આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ઉમરગામ તાલુકાના આરોગ્ય કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લીધી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ચાલતી કામગીરીની સાચી જાણકારી મળે તે હેતુસર વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે ઓચિંતી મુલાકાત લેવાનું આયોજન કર્યું હતું. મંત્રીશ્રીએ કલગામ, મરોલી, સરઇ, ખતલવાડા અને સંજાણ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની ઓચિંતી મુલાકાત લઇ ઓ.પી.ડી. સહિત વિવિધ રજિસ્ટરોની ચકાસણી કરી હતી. આ ઉપરાંત લેબોરેટરી, કુટુંબ કલ્યાણ સેવાઓ, રસીકરણ સેવાઓ અંગે પણ જાણકારી મેળવી હતી.
આરોગ્ય વિભાગ હેઠળની તમામ યોજનાકીય સેવાઓ દર્દીઓને મળે છે કે કેમ? તેમજ ડૉક્ટરો અને સ્ટાફ યોગ્ય સારવાર આપી રહ્યા છે કે કેમ? તે બાબતે આરોગ્ય કેન્દ્રોમાં આવેલા દર્દીઓ સાથે વાર્તાલાપ કરી જરુરી જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રમાં વિવિધ વોર્ડની મુલાકાત લઇ જરૂરી સૂચનો કર્યાં હતાં.
રાજ્ય સરકાર દરેક નાગરિકોનું આરોગ્ય સારું રહે તેની સતત ચિંતા કરે છે, ત્યારે ચોમાસાની ઋતુ હોઇ મેલેરીયા અને ડેન્ગ્યુ રોગ ન ફેલાય તે માટે પૂરતી કાળજી રાખવાની જવાબદારી આરોગ્ય કેન્દ્રો યોગ્ય રીતે નિભાવે તે આવશ્યક હોવાનું જણાવ્યું હતું. દરેક પ્રકારની દવાનો સ્ટોક પૂરતો રાખવા, આરોગ્ય કેન્દ્રમાં નિયમિત હાજરી આપવાની સાથે દર્દીઓની સાથે સુમેળભર્યો વ્યવહાર રાખવા પણ જણાવ્યું હતું.
આરોગ્ય કેન્દ્રોની મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળા અને આંગણવાડીઓની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી. આંગણવાડીના બાળકો, કિશોરીઓ, ધાત્રી માતાઓને પૂરતો અને પોષક આહાર નિયમિત મળે તે માટે સતત કાળજી રાખવા સૂચના આપી હતી. કોઇ પણ બાળક કુપોષિત ન રહે અને દરેક પ્રસુતિ હોસ્પિટલમાં ડોક્ટરની દેખરેખ હેઠળ જ થાય તે જોવા પણ જણાવ્યું હતું.
મંત્રીશ્રીની આ મુલાકાત વેળા તાલુકા આરોગ્ય અધિકારી રૂપેશ ગોહિલ, સરપંચ સંઘના પ્રમુખ નરોત્તમભાઇ પટેલ, સંબંધિત પી.એ.સી.ના મેડીકલ ઓફિસર, મેડીકલ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.