દેશમાં કોરોનાની બીજી લહેર માટે ચૂંટણી પંચ જવાબદાર : મદ્રાસ હાઈકોર્ટ
ચેન્નાઇ: દેશમાં કોરોના મહામારી વકરી છે, કોરોના દર્દીઓના આંકડા રોજ નવા રેકોર્ડ સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ અને ઉત્તરપ્રદેશમાં પંચાયતની ચૂંટણીને લઈને સતત પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવી છે. હાઈકોર્ટે કહ્યું છે કે કોરોનાની બીજી લહેર માટે ફક્ત ચૂંટણી પંચ જ જવાબદાર છે.
મદ્રાસ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ સંજીબ બેનર્જીએ કહ્યું કે, કોવિડ ૧૯ ની બીજી લહેર માટે ફક્ત તમારી સંસ્થા જ જવાબદાર છે. શું જયારે ચૂંટણી રેલીઓ થઈ રહી હતી ત્યારે તમે બીજા ગ્રહ પર હતા? ચીફ જસ્ટિસ અહીં અટક્યા નહીં. તેમણે કહ્યું કે ચૂંટણી પંચના અધિકારીઓએ પર સંભવત હત્યાનો કેસ દાખલ કરવો જાેઇએ.
આ સાથે ચૂંટણી પંચે ૨ મેના રોજ યોજાનારી મતગણતરી રદ કરવાની પણ ચેતવણી આપી હતી. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે જાે તમામ પ્રોટોકોલોને અનુસરવા માટે જાે મજબૂત યોજના રજૂ કરવામાં ન આવે તો ૨ મેના રોજ યોજાનારી મતગણતરી રદ કરવામાં આવશે.
તમિલનાડુની કરુર વિધાનસભા બેઠકના મતદાન દરમિયાન કોરોના નિયમોના પાલન સંબંધઇત એક અરજીની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ બેનરજી અને જસ્ટિસ સેન્થીકુમાર રામમૂર્તિની આગેવાની વાળી ખંડપીઠે ચૂંટણી પંચને ધારદાર સવાલ પૂછ્યા કે જ્યારે રેલીઓ યોજાઈ રહી હતી ત્યારે તમે શું બીજા ગ્રહ પર હતા ? ખંડપીઠે કહ્યું કે કોર્ટનો ઓર્ડર હોવા છતાં પણ ચૂંટણી પંચે રાજકીય પક્ષોની રેલીઓ દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરાવવામાં નિષ્ફળ રહ્યું. ફેસ માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ ન કરાયો કે સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન પણ ન કરાયું.
ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને જણાવ્યું કે લોકોનું આરોગ્ય ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે અને ખેદજનક છે કે બંધારણીય સંસ્થાને પણ આવી રીતે આ વાતની યાદ દેવડાવવી પડે છે. તેમણે કહ્યું કે સ્થિતિ હવે તો જીવન બચાવવાની બની છે. બીજી બધી વાતો ગૌણ બની જાય છે. ચીફ જસ્ટિસે ચૂંટણી પંચને રાજ્ય આરોગ્ય સસચિવની સાથે સલાહ મસલત કરીને ૩૦ એપ્રિલ સુધીમાં જવાબ આપવાનો કડક આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસે એવી પણ ચેતવણી આપી છે કે જાે આ આદેશનું પાલન ન થયું તો મતગણતરી અટકાવી દેવાનો પણ આદેશ આપીશું.