નાના ભાઈએ નવાઝુદ્દીન સિદ્દીકી ઉપર કટાક્ષ કર્યો
મુંબઈ: બોલિવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી પોતાના સારી એક્ટિંગ તેમજ ફિલ્મો સિવાય મંતવ્યો વ્યક્ત કરવા માટે પણ પોપ્યુલર છે. હાલમાં જ તેણે તે ફિલ્મ એક્ટર્સ અને સેલેબ્સને વખોડ્યા હતા જેઓ કોરોનાની બીજી લહેર વચ્ચે માલદીવ્સના વેકેશન પર જઈ રહ્યા છે અને પોતાની તસવીરો શેર કરી રહ્યા છે. નવાઝુદ્દીનની આ વાત તેના નાના ભાઈ શમ્સ નવાબ સિદ્દકીને પસંદ ન આવી હોય તેમ લાગી રહ્યું છે અને ટિ્વટર પર ટ્વીટ કરીને તેણે નવાઝુદ્દીન પર કટાક્ષ કર્યો છે.
સોશિયલ મીડિયા પર નવાઝના ભાઈ શમ્સે જે ટ્વીટ કરી છે તે વાયરલ થઈ રહી છે. આ ટ્વીટમાં નવાઝના નિવેદનની ખબરને રિ-ટ્વીટ કરતાં શમ્સે લખ્યું છે કે, ‘તમે આટલા નારાઝ કેમ થાઓ છો ભાઈ નવાઝુદ્દીન. દરેકને ક્યાંય પણ જવાનો અધિકાર છે. દરેક વ્યક્તિ ટેક્સ ભરી રહી છે અને દેશના નિર્માણમાં મદદ કરી રહી છે અને તમે? શું તમે મને જણાવી શકો છો કે તમે સમાજ માટે શું કર્યું? પ્લીઝ, ફાલતુમાં સારા બનવાનો પ્રયાસ કેમ કરો છો?’. હાલમાં જ એક વેબસાઈટ સાથે વાતચીત કરતાં નવાઝુદ્દીને કહ્યું હતું કે, ‘ઘણા ફિલ્મી સેલેબ્સ માલદીવ્સના વેકેશન પર છે અને પોતાની તસવીરો શેર કરી રહ્યા છે.
આ શરમજનક છે કારણ કે આ સમયમાં દુનિયા સૌથી ખરાબ સ્થિતિમાં છે. દેશ મંદીની ઝપેટમાં છે, લોકો પાસે જમવા માટે કંઈ નથી અને તેવામાં લોકો પૈસા ઉડાવી રહ્યા છે. કંઈક તો શરમ કરો. વધુમાં તેણે કહ્યું હતું કે, ‘વેકેશન પર જવું ખોટી વાત નથી. પરંતુ મુસીબતના આ સમયમાં સોશિયલ મીડિયા પર તેનો દેખાડો કરવો અત્યંત ખોટી વાત છે. એક સમાજ તરીકે આ સ્ટાર્સે થોડી સમજદારી દાખવવાની જરૂર છે.
આ લોકોને માલદીવને તમાશો બનાવી રાખ્યો છે. મને નથી ખબર કે ટૂરીઝમ ઈન્ડસ્ટ્રી સાથે આમની શું સાંઠ-ગાંઠ છે પરંતુ માનવતાને ધ્યાનમાં રાખીને, પ્લીઝ આ કનેક્શન પોતાના સુધી સીમિત રાખો. અહીં ચારેબાજુ બસ મુશ્કેલીઓ છે. કોવિડના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ રીતે પરેશાન લોકોની મજાક ના ઉડાવો. જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે તેમને ના છેડો.