સૌરાષ્ટ્ર, એક જ દિવસમાં ૨૨૭ કોરોના દર્દીના મોત નિપજયાં
રાજકોટ: ગુજરાતમાં કુલ પોઝિટિવ કેસનો આંકડો ૫ લાખને પાર થયો ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૫,૧૦,૩૭૩ કેસ નોંધાયા છે. જ્યારે ૭,૭૨૭ દર્દીએ કોરોનાને માત આપી છે. તેમજ ૧૫૮ દર્દીનાં મોત થયાં છે. જે ૨૫ એપ્રિલ કરતાં એક વધુ છે. સતત ત્રણ દિવસથી મોતનો આંકડો ૧૫૦થી વધુ આવી રહ્યો છે. પરંતુ સરકારી આંકડો કેટલો સાચો છે અને કેટલો ખોટો છે તે જે તે શહેરના મોતના આંકડા પરથી ખ્યાલ આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર છે. છેલ્લાં ૨૪ કલાકમાં ૨૭૧૫ નવા કેસની સામે ૨૨૭ દર્દીઓના મોત નિપજ્યાં છે.
મળતી માહિતી અનુસાર જામનગરમાં ૬૭૪ કેસ સામે ૧૧૪ મોત,રાજકોટમાં ૫૯૮ કેસ સામે ૬૨ મોત, જુનાગઢમાં ૨૫૯ કેસ સામે ૫ મોત,અમરેલીમાં ૧૫૮ કેસ સામે ૧૭ મોત,મોરબીમાં ૪૧ કેસ સામે ૧૮ મોત, દ્વારકામાં ૫૨ કેસ સામે ૧ મોત, સોમનાથમાં ૧૨૧ કેસ સામે ૨ મોત, પોરબંદરમાં ૫૧ કેસ સામે ૧ મોત થયા છે.
રાજકોટમાં ૪૮૦૪ એક્ટિવ દર્દી છે, જે પૈકી ૪૫ ટકા દર્દીઓ હોમ આઇસોલેટ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગંભીર દર્દીને ૨૫ બેડવાળા ડોમમાં તાત્કાલિક સારવાર અપાશે. વેટિંગમાં રહેલા દર્દીને પ્રિ-ટ્રાયેઝમાં રાખવામાં આવશે.
૨૪ કલાકમાં રાજકોટમાં ૭૬ દર્દીઓના મોત નિપજ્યાં છે. રાજકોટ જિલ્લા પંચાયતના શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્યનું કોરોનાથી નિધન થયું છે. રણજીત મેણીયા ૪ દિવસથી જસદણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમનું ઓક્સિજન લેવલ ઘટી જતાં રાજકોટ સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા. રણજીત મેણીયા જસદણ યુથ કોંગ્રેસના તાલુકા પ્રમુખ પદે પણ હતા. જિલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્યનું નિધન થતા કોંગ્રેસમાં શોક વ્યાપી ગયો છે.