વલસાડમાં કોરોના દર્દીનો ટ્રેન નીચે પડતું મુકી આપઘાત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/03/Trains.jpg)
પ્રતિકાત્મક
૭ વર્ષની પુત્રીના પિતાએ આપઘાત કરતા પરિવાર વેરવિખેર, મૃતદેહ ક્ષત-વિક્ષત થતા ૧૦૮ની ટીમ બોડી ઉઠાવતા ડરી
વલસાડ, રાજ્ય સહિત દેશભરમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અનેક લોકોએ મહામારીમાં પોતાના સ્વજનો ગુમાવ્યા છે. આ મહામારીના કારણે અનેક લોકો માનસીક રીતે પીડાઈ રહ્યા છે. ત્યારે આવી જ રીતે માનસીક રીતે હેરાન પરેશાન એક વ્યક્તિએ વલસાડમાં આપઘાત કીર લીધો હોવાની ઘટના વલસાડમાં સામે આવી છે.
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામના એક કોરોના પોઝિટિવ દર્દીએ હતાશામાં જ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ પારડી પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગતે વાત કરીએ તો, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામ ભેસું ફળિયામાં રહેતા ગણેશભાઈ ઠાકોરભાઈ પટેલ નામના વ્યક્તિની ૮ દિવસ અગાઉ તબિયત લથડતાં તેમને ટેસ્ટ કરાવતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આથી પરિવારજનો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા માટે દર્દી ગણેશ પટેલને લઈ અને વાપી વલસાડ, પારડી અને છેક નવસારીના ચીખલી સુધીની હોસ્પિટલોમાં ધક્કા ખાધા હતા,
પરંતુ કોઇ હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા આખરે, પરિવારજનોએ દર્દીને ઘરે પરત લઈ આવ્યા હતા, અને તેમના સાસરી પક્ષ દ્વારા પારડી તાલુકાના ભેંસલા પાડા ગામમાં લાવ્યા હતા અને તેમને વાડીમાં જ આઇસોલેટ કર્યા હતા. સ્વજનોઅ ઘરે વાડીમાંજ ઓક્સિજન સહિતની પણ સુવિધાઓ કરી હતી, પરંતુ પોતે કોરોના પોઝિટિવ આવેલા હોવા છતાં અને કોઈ પણ હોસ્પિટલમાં દાખલ નહી કરતા તે હતાશ થઈ ગયા હતા.
સ્વજનોના મત પ્રમાણે તે હતાશ થઈ અને માનસિક રીતે પીડાઈ રહ્યા હતા. જાેકે એવા સમયે વાડીમાં આઇસોલેશન દરમિયાન સ્વજનોની નજર ચૂકવી અને મોપેડ લઇ ઘરેથી ફરાર થઈ ગયા હતા, જેની જાણ થતાં સ્વજનોએ શોધખોળ કરી હતી.
પરંતુ ક્યાંય નહિ મળતા પારડી પોલીસ સ્ટેશનમાં પોતાનું કોરોના પોઝિટિવ સ્વજન ઘરેથી ગાયબ થઈ ગયું હોવાની જાણ કરી હતી, પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને શોધખોળ હાથ ધરી હતી. ત્યારે જાણ થઈ કે, ગણેશ પટેલ નામના આ કોરોના પોઝિટિવ દર્દીએ પારડી તાલુકાના પલસાણા નજીક આવેલા ગંગાજી રેલવે બ્રિજ પર આવી અને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ સ્થળ પર પહોંચી હતી. જાેકે કોરોના પોઝિટિવ દર્દીએ ટ્રેન નીચે આવી અને આપઘાત કરતા મૃતદેહ પણ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો, આથી મૃતદેહને લઈ જવા બેથી વધુ એમ્બ્યુલન્સ પહોંચી હતી. પરંતુ કોરોના પોઝિટિવ દર્દી અને તેનો પણ ક્ષત _ વિક્ષત હાલતમાં મૃતદેહ હોવાથી એમ્બ્યુલન્સની ટીમ પણ ગભરાઈ હતી, સાથે પારડી પોલીસ પણ મૂંઝવણમાં મૂકાઇ હતી.
કારણ કે કોરોના પોઝિટિવ દર્દીએ આપઘાત કરી લીધા બાદ નિયમ પ્રમાણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવું જરૂરી હોય છે. વધુમાં મૃતદેહ પણ ક્ષત-વિક્ષત હોવાથી આ મામલે આગળ શું કાર્યવાહી કરવી? તેને લઈને પણ પોલીસ મૂંઝવણમાં મૂકાઇ ગઈ હતી.
જાેકે પારડી પોલીસ દ્વારા પોલીસના અન્ય સિનિયર અધિકારીઓ સાથે ચર્ચા કરી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આંમળી ગામના કોરોના પોઝિટિવ દર્દીને કોઇ પણ હોસ્પિટલમાં જગ્યા નહિ મળતા આખરે દર્દીએ હતાશામાં આવી અને ટ્રેન નીચે પડતું મૂકી અને આપઘાત કરી લીધો હતો.
મૃતક ગણેશ પટેલ પરણિત હતા અને સાત વર્ષની દીકરી પણ છે. જાેકે કોરોના રિપોર્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈ હોસ્પિટલમાં જગ્યા નહીં મળતા તેઓએ હતાશામાં હિંમત હારી અને ભરેલા અંતિમ પગલાને કારણે આખો પરિવાર વિખેરાઈ ગયો છે. મહત્વપૂર્ણ છે કે, અત્યારે કોરોના પોઝિટિવ આવેલા અનેક દર્દીઓ ઘર પર જ રહી અને સારવાર મેળવી રહ્યા છે. ત્યારે આવા કપરા સમયે દર્દીની સાથે તેના પરિવારજનો પણ દર્દીને માનસિક હિંમત આપતા રહે તે જરૂરી છે.