ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે દર્દીઓને હવે પ્રાથમિકતાના આધારે એડમિટ કરવામાં આવશે
સગર્ભા મહિલાઓ માટે કોઈપણ પ્રકારનું વેઈટીંગ નહીં, પ્રાથમિક ચેક-અપ બાદ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને સારવારમાં પ્રાથમિકતા અપાશે
જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ ધારપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ વેઈટીંગ માટેની જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માર્ગદર્શન અને સુચનાઓ આપી
માહિતી બ્યુરો, પાટણ: કોવિડ-૧૯ના વધતા જઈ રહેલા કેસના કારણે પાટણની ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે ક્ષમતા કરતાં વધુ દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આવા સંજોગોમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા ધારપુર હોસ્પિટલની મુલાકાત લઈ વધુ ગંભીર સ્થિતિ ધરાવતા દર્દીઓને સારવારમાં પ્રાથમિકતા મળે તે માટેની વ્યવસ્થા ઉભી કરવા સુચના આપવામાં આવી છે.
ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે પાટણ ઉપરાંત આસપાસના જિલ્લામાંથી પણ કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓ સારવાર માટે આવે છે. એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓમાં ક્રિટીકલ અને નોન-ક્રિટીકલ એમ બે પ્રકારના દર્દીઓ હોય છે. જેમાં વધુ ગંભીર પરિસ્થિતિ ધરાવતા દર્દીને સારવારમાં પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. જેના માટે હોસ્પિટલના ગેટ પાસે જ ઓ.પી.ડી. શરૂ કરવામાં આવી છે.
આ મુલાકાત દરમ્યાન જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રીત સિંઘ ગુલાટીએ જણાવ્યું હતું કે, ધારપુર હોસ્પિટલ ખાતે આજથી નવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જેમાં સગર્ભા મહિલાઓ માટે કોઈ વેઈટીંગ લિસ્ટ લાગુ નહીં પડે. સાથે જ રોજબરોજ ચેક-અપના આધારે તૈયાર કરવામાં આવેલું વેઈટીંગ લિસ્ટ જોઈ શકાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
હોસ્પિટલના ગેટ પાસે ઉભી કરવામાં આવેલી ઓ.પી.ડી.માં એક ડૉક્ટર તથા બે નર્સની ટીમ દ્વારા સંકુલમાં પ્રવેશતી એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીનું પ્રાથમિક ચેક-અપ કરવામાં આવશે. ત્યારબાદ તેને ક્રિટીકલ અને નૉન ક્રિટીકલ એમ બે કેટેગરીમાં વહેંચી તે મુજબ વેઈટીંગ લિસ્ટના આધારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. સાથે જ તાવ કે શરીરના દુખાવા જેવા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને જરૂરી દવાઓ આપી હોમ આઈસોલેશનમાં રહેવા સલાહ આપવામાં આવશે.
આ અંગે વાત કરતાં હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટશ્રી ડૉ. મનીશ રામાવતે જણાવ્યું કે, અમારી મેડિકલ ટીમ દ્વારા વેન્ટીલેટરની કે બાઈપેપની જરૂરિયાતવાળા દર્દીઓને ક્રિટીકલ કેટગરીમાં તથા માત્ર સઘન સારવારની જરૂરિયાતવાળા દર્દીઓને નોન-ક્રિટીકલ તરીકે તારવી તે મુજબ એડમિટ કરવા માટેનું વેઈટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.
કુલ ૨૫૦ બેડની ક્ષમતા ધરાવતી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે હાલ તમામ ૨૫૦ બેડ પર કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. જેમને સઘન સારવાર આપવા ૧૦૦ તબીબો, ૨૦૦ નર્સિસ કે પેરામેડિકલ સ્ટાફ અને ૨૦૦ વર્ગ-૪ના કર્મચારીઓ ૨૪ કલાક કાર્યરત છે.