કિરણને ઘણી આડઅસર છે, દુઆ કરજાેઃ અનુપમ ખેર
ફેન્સે કિરણ ખેરની તબિયત વિશે પૂછતા અનુપમ ખેરે જણાવ્યું કે, કિરણની તબિયત પહેલા કરતા સારી છે
મુંબઈ, ચંદીગઢની સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કિરણ ખેર કેન્સરથી પીડાઈ રહી છે. તેમના પતિ અને અભિનેતા અનુપમ ખેરે ઇન્સ્ટાગ્રામ પર લાઈવ આવીને કિરણ ખેરની હેલ્થ વિશે અપડેટ આપી છે. ત્યારે ફેન્સ તેમની સલામતી માટે દુઆ કરી રહ્યા છે.
ફેન્સે કિરણ ખેરની તબિયત વિશે પૂછતા અનુપમ ખેરે જણાવ્યું કે, ‘કિરણની તબિયત પહેલા કરતા સારી છે. તેની તબિયતમાં સુધાર આવી રહ્યો છે, પરંતુ જે દવાઓ લઈ રહી છે, તેની કેટલીક આડઅસર પણ છે. તે ખૂબ જ સ્ટ્રોન્ગ છે અને તે જલ્દી સાજી થઈને પરત ફરશે. તમારી દુઆ કિરણની સાથે છે, તે જલ્દી સાજી થઈ જશે.’
અગાઉ અનુપમ ખેરે લોકોનો આભાર માનતો ભાવુક વિડીયો પણ ટિ્વટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અનુપમ ખેરે વિડીયો શેર કરતા લખ્યું હતું કે, ‘કિરણ પ્રતિ તમારા પ્રેમ, ચિંતા, શુભકામનાઓ અને આશીર્વાદ માટે ધન્યવાદ. તે આપ સહુનો આભાર વ્યક્ત કરે છે. આપ સહુને ઘણો બધો પ્રેમ અને પ્રાર્થના.
કિરણ ખેર કેન્સરથી પીડાઈ રહી હોવા છતા કોરોના કાળમાં લોકોની મદદ કરવા માટે આગળ આવી છે. કોરોના પીડિતોના ઈલાજ માટે તાત્કાલિક વેંટિલેટર ખરીદવા માટે કરોડો રૂપિયાનું દાન કર્યું છે. આ અંગે કિરણ ખેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જાણકારી આપી છે.
તેમણે લખ્યું હતું કે, ‘આશા અને પ્રાર્થના સાથે એમપી ફંડમાંથી કોરોનાના દર્દીઓ માટે વેંટિલેટરની તાત્કાલિક ખરીદી માટે ચંદીગઢને રૂ. ૧ કરોડ આપી રહી છું. આ કપરા સમયમાં હું તમારી સાથે અડગ થઈને ઊભી છું.’