રણધીર-રીમા રાજીવની સંપત્તિ પર હક ઈચ્છે છે
રાજીવ કપૂરે વર્ષ ૨૦૦૧માં આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૦૩માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા
મુંબઈ, કપૂર પરિવારે એક જ વર્ષની અંદર બે સભ્યોને ગુમાવ્યા. ગયા વર્ષે એટલે કે ૩૦ એપ્રિલ ૨૦૨૦ના દિવસે ઋષિ કપૂરનું નિધન થયું હતું. તો ૯ ફેબ્રુઆરી. ૨૦૨૧ના રોજ રાજીવ કપૂરનું નિધન થયું હતું. પાંચ ભાઈ-બહેનમાંથી બે ભાઈઓ અને એક બહેનના નિધન બાદ હવે રણધીર કપૂર અને તેમની બહેન રીમા જૈન જીવિત છે.
બંનેએ રાજીવ કપૂરની પ્રોપર્ટી પર પોતાના હક માટે બોમ્બે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી છે. જેના પર હાઈકોર્ટે સોમવારે રણધીર કપૂર અને રીમા જૈનને રાજીવ કપૂરના ડિવોર્સ પેપર શોધી લાવવા માટે કહ્યું છે. જસ્ટિસ ગૌતમ પટેલે રણધીર કપૂર અને રીમા જૈન દ્વારા પ્રોપર્ટી અને ક્રેડિટ માટે ફાઈલ કરવામાં આવેલી પિટિશન પર સુનાવણી કરી હતી.
પિટિશનમાં કહેવામાં આવ્યું હતું કે, રાજીવ કપૂરે વર્ષ ૨૦૦૧માં આરતી સબરવાલ સાથે લગ્ન કર્યા હતા અને ૨૦૦૩માં બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન રણધીર કપૂર અને રીમા જૈનના વકીલ શરણ જગતિયાનીએ કહ્યું કે, તેમની પાસે રાજીવ કપૂર અને આરતી સબરવાલાના ડિવોર્સના પેપર નથી અને તેમને જાણ નથી કે, કઈ ફેમિલી કોર્ટે ડિવોર્સનો આદેશ આપ્યો હતો.
શરણ જગતિયાનીએ હાઈકોર્ટમાં કહ્યું કે, ‘માત્ર બંને ભાઈ બહેન જ રાજીવ કપૂરની પ્રોપર્ટીના હકદાર છે. અમારી પાસે તેમના છુટાછેડાના કાગળ નથી. અમે તે શોધવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મળ્યા નહીં. તેમને ડિવોર્સના કાગળ શોધવાની છૂટ આપવામાં આવે. અમને તે પણ જાણ નથી કે, છુટાછેડાનો આદેશ દિલ્હી કે મુંબઈ કોર્ટે જાહેર કર્યો હતો’.
તેના પર જસ્ટિસ ગૌતમે કહ્યું કે, કોર્ટ છુટાછેડાના કાગળ રજૂ નહીં કરવા બદલ મુક્તિ છૂટ આપવા તૈયાર છે પરંતુ તે પહેલા સ્વીકૃતિ પત્ર આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે, રાજીવ કપૂરનું નિધન હાર્ટ એટેકના કારણે થયું હતું. તેમની ઉંમર માત્ર ૫૮ વર્ષની હતી. ભાઈના નિધનની જાણકારી રણધીરે પોતે આપી હતી. તેમણે કહ્યું હતું કે, ‘રાજીવને હાર્ટ એટેક આવતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ડ઼ોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો’.