ઓલ ગુજરાત વાલી મંડળે બોર્ડની પરીક્ષા રદ કરવા શિક્ષણમંત્રીને પત્ર લખી શું કહ્યું
ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા ધો.૧૦ના છાત્રોને પાસ કરી બોર્ડની પરીક્ષા રદ કરો
(એજન્સી) અમદાવાદ, ગુજરાતના વાલી મંડળ દ્વારા ધો.૧૦ની બોર્ડની પરીક્ષા રદ કરવા માટે ફરીવાર રાજયના શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ધો.૧૦ના વિદ્યાર્થીઓને ઈન્ટરનલ એસેસમેન્ટ દ્વારા પ્રમોશન આપી બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવે એવી માંગણી કરી છે.
ધો.૧૦માં ૧૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને ૩ હજાર સેન્ટર છે. સરકારની એસઓપી મુજબ પરીક્ષા લેવામાં આવે તો સેન્ટરો પણ બમણા કરવા પડે તેમ છે. ઉપરાંત પરીક્ષા મોડી લેવામાં આવે તો જૂનથી સત્ર શરૂ કરવામાં પણ મુશ્કેલી પડશે તેમ હોઈ પરીક્ષા રદ કરવા માટે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે માંગણી કરી છે.
રાજયમાં ધો.૧૦ના ૧૩ લાખ વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર હતી. પરંતુ હાલની કોરોનાની સ્થિતિને પગલે સરકારે પરીક્ષા માટે સમીક્ષા બાદ નિર્ણય લેવાની જાહેરાત કરી છે. જાે કે આ મુદ્દેે ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં જણાવાયુ છે કે હાલની સ્થિતિમાં પરીક્ષા વખતે સરકારની ગાઈડલાઈનનુૃ પાલન કરી પરીક્ષા યોજી શકાય એમ નથી. હાલમાં ધો.૧૦ના ૩ હજાર સેન્ટર છે અને એસઓપીનું પાલન કરવામાં આવે તો સેન્ટરો બમણા કરવા પડે તેમ છે.
તાજેતરમાં સીએની પરીક્ષા રદ કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ રદ થઈ છે. સીબીએસઈ અને આઈસી એસઈની પણ પરીક્ષા સરકારે રદ કરી છે.
હાલની સ્થિતિને જાેતાં ગુજરાતમાં પણ જૂન સુધી પરીક્ષા યોજાય તેવી શક્યતાઓ નહિંવત છે. જેથી વાલીમંડળ દ્વારા માંગ કરવામાં આવી છે કે ધો.૧૦ ની પરીક્ષા તાત્કાલિક રદ કરવામાં આવે. અને જૂન માસથી જે શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવવે છે તે રાબેતા મુજબ શરૂ કરવામાં આવે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવે.
જાે ધો.૧૦ની પરીક્ષા મોડી લેવામાં અવશે તો તેનું પરિણામ પણ મોડુ જાહેર થશે અને તેના કારણે ધો.૧૧માં શાળા પ્રવેશ માટે પણ કામગીરી મોડી થશે.
જેથી જૂન માસથી સ્કુલોમાં નવા શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં પણ મુશ્કબેલી પડશે. સરકારની નવી શિક્ષણ નીતિમાં પણ ધો.૧૦નું કોઈ વજુદ ન હોવાથી તાત્કાલિક આ પરીક્ષા રદ કરવામાં આવવી જાેઈએ. ધો.૧૦ના ૧૩ લાખ વિદ્યાર્થીઓ સરકારના નિર્ણયની રાહ જાેઈને ઉભા છે. આ અંગે વહેલી તકે નિર્ણય લેવામાં આવે તો વિદ્યાર્થીઓ પરથી માનસિક તાણ ઓછી થશે એમ પણ જણાવાયુ છે.