મચ્છરના બ્રીડીંગ મળી આવતાં પાંચ હોટલ સીલ : મેકડોનાલ્ડે રૂ.૫૦ હજાર પેનલ્ટી
અમદાવાદ, શહેરમાં મચ્છરોની ઉત્પત્તિ અને મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ.કોર્પાેરેશને સઘન ઝુંબેશ શરૂ કરી છે. જેના માટે વિવિધ કોમર્શિયલ કોમ્પ્લેક્ષો અને બાંધકામોની સાઈટ પર ચેકીંગ શરૂ કરવામાં આવ્યાં
છે. જેના ભાગરૂપે પશ્ચિમ ઝોન હેલ્થ વિભાગે મોટેરા વિસ્તારમાં પાંચ હોટલોને સીલ કરી હતી. તેમજ એક હોટલ પાસેથી રૂ.૫૦ હજારના દંડની પણ વસુલાત કરી છે.
પશ્ચિમ ઝોનનાં આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશ્નર પ્રશાંતભાઈ પડ્યાના જણાવ્યા અનુસાર મોટેરા ગાંધીનગર હાઈવે પર આવેલ અક્ષર-૧૧માં પુષ્કળ પ્રમાણમાં મચ્છરોનાં બ્રીડીંગ મળી આવ્યાં હતાં. જેનાં કારણે સદર કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં આવેલ ઓનેસ્ટ રેસ્ટોરન્ટ, ઢોંસા પ્લાઝા, મેક્ડોનાલ્ડ, ડિઆના અને ડિલાઈટ હોટલોને સીલ કરવામાં આવ્યાં છે. જે પૈકી મેક્ડોનાલ્ડે રૂ.૫૦ હજારની પેનલ્ટી ભરતાં તેના સીલ ખોલવામાં આવ્યાં હતાં. ઝોનના તમામ વોર્ડમાં આ પ્રકારની ઝુંબેશ ચાલુ રહેશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.