Western Times News

Gujarati News

અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાતને કોરોનાથી બચાવવા જરૂરી તમામ સંશાધનો-આર્થિક સહયોગની પહેલને આવકારતાં મુખ્યમંત્રી

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને ઓક્સિજન, કોરોના વેક્સિન, દવાઓ આર્થિક સહિતની તમામ મદદ કરાશે

વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ વિવિધ કસ્ટમ ક્લિયરન્સ માટે ગુજરાતમાં બે નોડલ ઓફિસરોની નિમણૂક કરતાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી

ગુજરાતે કોરોના સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે
એક સપ્તાહમાં તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં આગળ વધી રહ્યા છીએ તે માટે નવા નવા ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવામાં આવી રહ્યા છે

સંક્રમણ અટકાવવા રાજ્યના વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુનો અમલ વધુમાં વધુ વેક્સિનેશન, કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્તમ ભાર- દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગ મારૂ ગામ કોરોના મુક્ત બને તે દિશામાં સયુક્ત પ્રયાસો


મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે કોવિડ સંદર્ભે ઇ-બેઠક- સંવાદ યોજાયો

મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નોર્થ અમેરિકાના ગુજરાતી સમાજના અગ્રણીઓ, નિષ્ણાત તબીબો, સીનિયર એસોસિએશનના સભ્યો સાથે ગુજરાતમાં કોવિડ સંદર્ભે ગાંધીનગર ખાતેથી આજે ઇ-બેઠક અને સંવાદ યોજાયો હતો.

જેમાં અમેરિકાના ગુજરાતીઓ દ્વારા પોતાના વતન ગુજરાત-ગુજરાતીઓને કોરોના મહામારીથી બચાવવા જરૂરી તમામ સંશાધનો અને CM રીલિફ ફંડમાં આર્થિક સહયોગ કરવાની પહેલને મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આવકારીને પોતાના વતનનું ઋણ અદા કરવાની તૈયારી બદલ ગુજરાતીઓવતી સૌ અમેરિકન ગુજરાતીઓનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

અમેરિકન ગુજરાતીઓ દ્વારા ગુજરાતને વિવિધ મદદ માટે કરાયેલા સૂચનના યોગ્ય સંકલન માટે મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ વિદેશમાંથી CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ તેમજ અમેરિકાથી ગુજરાતમાં વેક્સિન, ઓક્સિજન સહિત જરૂરી તમામ બાબતના ઝડપી કસ્ટમ ક્લિયરન્સ માટે બે ઉચ્ચ અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે તાત્કાલિક નિમણૂક પણ કરી હતી.

મુખ્યમંત્રી રૂપાણીએ ગુજરાતની કોરોનાની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મહામારી સામે લડવા પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ઓછા સમયમાં મહત્તમ વ્યવસ્થાઓ ઉભી કરી છે. ગુજરાતમાં આગામી એક સપ્તાહમાં સંભવત તમામ સ્ત્રોતનો ઉપયોગ કરીને ગુજરાતમાં જરૂરિયાત મુજબનો ઓક્સિજન પ્રાપ્ત થાય તે દિશામાં સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવા નવા ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યા છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં સંક્રમણ અટકાવવા મોટા શહેરોની સાથે સાથે વધુ ૨૯ શહેરોમાં કોરોના કરફ્યુ, SMSનું કડક પાલન, રાજ્યમાં વધુમાં વધુ વેક્સિનેશન થાય તે માટે વિશેષ અભિયાન તેમજ કોરોના ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટ ઉપર મહત્તમ ભાર મુકવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં અત્યારે દૈનિક પોણા બે લાખ ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આજની સ્થિતિએ ગુજરાતમાં હજારો લોકો સરકારી સિવિલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. કોરોના સંક્રમિત ગંભીર વ્યક્તિને હવે કોઇપણ વાહનમાં સારવાર માટે આવે તો તેને હોસ્પિટલ પ્રવેશ આપવામાં આવી છે. આપણે સૌ સાથે મળીને કોરોના સંક્રમણ અને મૃત્યુદર ઘટાડવા સક્ષમ છીએ.

ગુજરાતના લાખો તબીબો, મેડિકલ સ્ટાફ અને સરકારી કર્મચારીઓ રાત-દિવસ એક કરીને કોરોના સામે લડી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને તબીબી નિષ્ણાતોની મદદ- માર્ગદર્શનથી ગુજરાત સરકાર કોરોનાને હરાવવા સાચી દિશામાં આગળ વધી રહી છે તેમ તેમણે જણાવ્યું હતું.

અમેરિકામાંથી કોરોનાની વેક્સિન સીધી ગુજરાતમાં ઉપલબ્ધ થાય તે દિશામાં આગળ વધવા મુખ્યમંત્રીશ્રીએ નોર્થ અમેરિકા સ્થિતિ ગુજરાતીઓને અનુરોધ કર્યો હતો.મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાતમાં હજારો સંજીવની રથ અને ધન્વંતરી રથના માધ્યમથી લોકોને ઘરે બેઠા જ કોરોનાની પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે

જેના કારણે હોસ્પિટલ ઉપરનું ભારણ ઘટી રહ્યું છે. “મારૂ ગામ કોરોના મુક્ત ગામ” બને તે દિશામાં પણ આપણે ગામ લોકોના સહયોગથી આગળ વધી રહ્યા છીએ. આવા અનેકવિધ સંકલ્પોથી આપણે કોરોના મહામારીને હરાવવા એકબીજાના સહયોગથી આગળ વધીશું ત્યારે આપણે ચોક્કસ આ સંકટમાંથી પણ જલદી બહાર આવીશું તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રી વ્યક્ત કર્યો હતો.

કેલિફોર્નિયા સ્થિતિ GONAના ઉપક્રમે યોજાયેલી આ ઇ-બેઠકમાં ઉપસ્થિતિ તમામ અમેરિકન ગુજરાતીઓએ ગુજરાતને ઓક્સિજનની અછત દૂર કરવા, ઓક્સિજન કોન્સન્ટ્રેટર, જરૂરી સંશાધનો, રેમડેસિવિર ઇન્જેક્શન, ફાઇઝર વેક્સિન સીધી ગુજરાતને ઉપલબ્ધ કરાવવી તેમજ CM રિલીફ ફંડમાં આર્થિક સહયોગ સહિતની જરૂરી તમામ મદદ કરીને આ કપરા સમયમાં માદરે વતનનું ઋણ અદા કરવાની તૈયાર દર્શાવી હતી.

આ ઇ-બેઠકમાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી GONAના પ્રમુખશ્રી પ્રમોદ મિસ્ત્રી, TV એશિયાના ન્યૂજર્સીના ચેરમેન-CEO પદ્મશ્રી ડૉ. એચ. આર. શાહ, ઇન્ડિયા એસોસિએશન ઓફ લોસ એન્જલસના ઉપપ્રમુખશ્રી કનકસિંહ ઝાલા, GONAના ઉપપ્રમુખશ્રી અમિત પાઠક, ન્યૂયોર્ક સ્થિત અમનિલ ફાર્માસ્યુટિકલ્સના CO-CEO શ્રી ચિન્ટુ પટેલ,

ચિકાગો સ્થિત ઇન્ડિયન અમેરિકન કલ્ચરલ સેન્ટરના ડૉ. ભરત બરાઈ, ભારતીય વિદ્યાભવન USAના ચેરમેન ડૉ. નવિન મહેતા, પેન્નસીલવાનીયાના ન્યૂરોલોજિસ્ટ ડૉ. વિઠ્ઠલ ધડુક, લોસ એન્જલસ સ્થિત સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના શ્રી મનુભાઇ શાહ, શ્રી સુનિલ અગ્રવાલ તેમજ જન્મભૂમિ ગૃપના માનદ સંવાદદાતા શ્રી રાજેન્દ્ર વોરા સહિત વિવિધ પેનલિસ્ટે કોરોના મહામારીમાં સહયોગ માટે સંવાદ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.

બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વીની કુમારે ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં સરકારે કોરોના મહામારી અટકાવવા સંદર્ભે કરેલી કામગીરીનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરીને સૌને માહિતગાર કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.