મેં વેક્સિન લીધી છે, સૌ યુવાનો પણ રસીકરણ અભિયાનમાં જોડાય: ઝાલોદના નાયબ પોલીસ અધિક્ષક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/dahod-3-1024x743.jpg)
રાજય સરકાર દ્વારા તા. ૧, મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને પણ વેક્સિન આપવાનું અભિયાન શરૂ કરવામાં આવશે ત્યારે ઝાલોદના નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.વી. જાધવ તાલુકાના તમામ નાગરિકોને સત્વરે વેક્સિન લેવાનું જણાવે છે અને ૧૮ વર્ષથી ઉપરના યુવાનોને પણ તા. ૧ મેથી શરૂ થતા વેક્સિનેશન અભિયાનમાં જોડાવા અપીલ કરે છે.
તેઓ જણાવે છે કે, ‘ઝાલોદ તાલુકાની તમામ પ્રજાને વિનંતી કરૂં છું કે, અત્યારે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે સૌ કોઇએ માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સેનિટાઇઝરથી નિયમિત હાથ ધોવા. આ ઉપરાંત ભીડભાડવાળી જગ્યાએ જવું નહી.
રાજય સરકાર દ્વારા તા. ૧ મેથી ૧૮ વર્ષથી ઉપરના તમામ યુવાનોને વેક્સિનેશન માટેના અભિયાનનો આરંભ થશે. સૌ યુવાનો આ અભિયાનમાં જોડાઇ તે માટે અપીલ કરૂં છું. મેં પોતે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા છે, વેક્સિન લીધા બાદ મને કોઇ પણ જાતની આડઅસર થઇ નથી કે તકલીફ થઇ નથી.
અત્યારે સરકાર દ્વારા ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં જે પણ વયના લોકોનો વારો આવતો હોય તેઓ સત્વરે વેક્સિન લઇ લે. જેથી તેઓ અને તેમનો પરિવાર કોરોનાથી સુરક્ષિત બને. વેક્સિન લીધા બાદ પણ માસ્ક, સામાજિક અંતર અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવાનો છે અને ખાસ બને તેટલું ઘરમાં જ રહેવાનું છે.’