લોકડાઉનના કારણે મુંબઈમાં ફિલ્મોના સેટ સૂમસાન બન્યા
મહારાષ્ટ્રમાં ફિલ્મોના શૂટિંગ પર પ્રતિબંધ છે, જેના કારણે ફિલ્મ સ્ટુડિયોમાં બનાવેલા ભવ્ય સેટ ખાલીખમ પડ્યા છે
મુંબઈ, કોરોના વાયરસના કેસનો રાફડો ફાટતાં મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં ફિલ્મો, ટીવી સીરિયલ અને જાહેરાતના શૂટિંગ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી. બ્રેક ધ ચેઈન હેઠળ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેર કર્યું હતું કે, પહેલી મે સુધી નિયમો અને નિયંત્રણો યથાવત્ રહેશે.
૧૪મી એપ્રિલે કરવામાં આવેલી જાહેરાત બાદ, આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી, સલમાન ખાનની ટાઈગર ૩, શાહરુખ ખાનની પઠાણ તેમજ અમિતાભ બચ્ચનની ‘ગુડબાય’ સહિતની બિગ બજેટની ફિલ્મોનું શૂટિંગ સ્થગિત કરવામાં આવ્યું હતું. મહામારીને ધ્યાનમાં રાખી તેમજ હાલ ટ્રાવેલ કરવું સુરક્ષિત ન હોવાથી ઘણા ફિલ્મમેકરે શહેરમાં આવેલા સ્ટુડિયોમાં જ ભવ્ય સેટ બનાવડાવ્યા હતા.
સંજય લીલા ભણસાલીએ મુંબઈના કમાઠીપુરાની રેપ્લિકાનું નિર્માણ કર્યું હતું, તો સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ ટાઈગરના શૂટિંગ માટે ફિલ્મ સ્ટુડિયોમાં જ આખું તુર્કિશ ગામ ઉભુ કરાયું હતું. ગંગુબાઈ કાઠિયાવાડીનો સેટ તૈયાર કરવામાં સંજય લીલા ભણસાલીએ એક વર્ષ કરતાં વધુનો સમય લીધો હતો.
ગયા વર્ષે, લોકડાઉનના કારણે મહિનાઓ સુધી ફિલ્મનું શૂટિંગ સ્થગિત કરાયું હતું. જાે કે, નિયંત્રણો થોડા હળવા કરાતા ટીમે કામ શરુ કર્યું હતું. જાે કે, હાલમાં ફિલ્મની લીડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને સંજય લીલા ભણસાલી કોરોના વાયરસથી સંક્રમિત થતાં ફરીથી શૂટિંગ સ્થગિત કરાયું હતું.
સલમાન ખાન અને કેટરીના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર ૩ની કાસ્ટ અને ક્રૂ મહામારીમાં સુરક્ષિત રહે તે માટે બહાર શૂટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફિલ્મના એક ભાગનું શૂટિંગ તૂર્કીમાં થવાનું હતું પરંતુ મહામારીના કારણે ટ્રાવેલિંગ કરવાનું શક્ય ન હોવાથી મેકર્સે મુંબઈના ફિલ્મ સ્ટુડિયોમાં તુર્કીશ શહેર રિક્રિએટ કરવાનું નક્કી કર્યું હતું.