લાંબી કાનુની લડાઈ બાદ લાલુ યાદવની જેલમાંથી મુક્તિ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/08/Laluprasad-scaled.jpg)
લાલુ પ્રસાદ યાદવ ઝારખંડના દુમકા ટ્રેઝરી કેસ મામલે ૧૯મી માર્ચ, ૨૦૧૮થી જેલની સજા ભોગવી રહ્યા હતા
રાંચી, લાંબી લડાઈ અને કોર્ટ-કચેરી બાદ રાજદ સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી મુક્ત થયા છે. હાઈકોર્ટમાંથી જામીન મળ્યાના ૧૨ દિવસ બાદ લાલુ પ્રસાદ યાદવ જેલમાંથી બહાર નીકળ્યા છે. લાલુ યાદવ ઝારખંડના દુમકા ટ્રેઝરી કેસ મામલે ૧૯ માર્ચ, ૨૦૧૮થી જેલની સજા કાપી રહ્યા હતા..
ઝારખંડ હાઈકોર્ટે ગત ૧૭ એપ્રિલના રોજ લાલુ પ્રસાદ યાદવને આ કેસમાં જામીન આપ્યા હતા. પરંતુ વકીલો કામ ન કરી શકતા હોવાથી બેલ બોન્ડ નહોતા ભરી શકાયા. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના આદેશ બાદ ગુરૂવારે લાલુ યાદવના વકીલે બે અંગત બોન્ડ દાખલ કર્યા હતા.
કોર્ટે તેને યોગ્ય ઠેરવીને બિરસા મુંડા કેન્દ્રીય જેલ હોટવારના જેલ અધિકારી પાસે મોકલી દીધા હતા. સાથે જ લાલુ યાદવને છોડવાનો આદેશ પણ આપ્યો હતો. સીબીઆઈના વિશેષ ન્યાયાધીશ શિવપાલ સિંહની કોર્ટે આ કેસમાં લાલુ યાદવને ૭-૭ વર્ષની સજા સંભળાવી હતી.
લાલુ યાદવે દુમકા ટ્રેઝરી કેસ મામલે અડધી સજા પૂર્ણ કર્યાના દાવા સાથે જામીન અરજી નોંધાવી હતી. જાે કે, સીબીઆઈએ હજુ લાલુ યાદવની અડધી સજા પૂરી નથી થઈ તેવો દાવો કર્યો હતો