કોરોનાના કારણે અત્યાર સુધી ૧૬૫ ભારતીય પત્રકારો પોતાનો જીવ ગુમાવ્યો છે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/corona.jpg)
Files Photo
નવીદિલ્હી: ભારતમાં કોરોનાનો કહેર પોતાની ચરમ સીમા પર પહોંચી ગયો છે. દરરોજ કોરોનાના લાખો મામલા સામે આવી રહ્યા છે. અત્યાર સુધી કોરોનાએ લાખો લોકોના જીવ ભરખી લીધા છે. પાછલા મહિને ભારતમાં કોરોનાના મામલામાં ભારે વધારો થયો, જેમાં કેટલાંય મોટાં નામ સાથે ૨ નામી પત્રકારોએ પણ કોરોનાના લપેટામાં આવી પોતાના જીવ ગુમાવ્યા. આંકડા મુજબ અત્યાર સુધી ૧૬૫ ભારતીય પત્રકાર કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
દેશમાં કોરોનાના કારણે થયેલ પત્રકારોના મોત પર શોક વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદી પર હુમલો બોલ્યો. તેમણે ટ્વીટ કરી લખ્યું, ‘જે ૨૪ કલાક તમને દેખાડે છે, તેમની હાલત એકવાર તો જુઓ. આંકડા મુજબ દેશમાં અત્યાર સુધી ૧૬૫ પત્રકારો કોરોનાના કારણે પોતાના જીવ ગુમાવી ચૂક્યા છે. એપ્રિલમાં લગભગ દરરોજ ૨ પત્રકારોના જીવ ગયા.’
દિલ્હી આધારિત ધારણા અધ્યયન સંસ્થાન મુજબ ૧ એપ્રિલ ૨૦૨૦થી ૨૮ એપ્રિલ ૨૦૨૧ સુધી કોરોનાના કારણે ઓછામા ઓછા ૧૦૧ પત્રકારોના જીવ ગયા. આ ઉપરાંત જાન્યુઆરી ૨૦૨૧ બાદથી કોવિડ સંબંધિત જટિલતાઓને કારણે ૫૦થી વધુ પત્રકારોના નિધન થયાં છે. ધારણા અધ્યયન સંસ્થાનના અધ્યયન મુજબ આ વર્ષે પાછલા ચાર મહિનામાં ૫૬ પત્રકારોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા, જેમાંથી ૫૨ એકલા એપ્રિલ મહિનાના જ છે.
અધ્યયન મુજબ ૧ એપ્રિલ ૨૦૨૦થી ૨૮ એપ્રિલ ૨૦૨૧ દરમ્યાન ૧૦૧ પત્રકારોના મોત થયાં. ૧ એપ્રિલ ૨૦૨૧થી ૨૮ એપ્રિલ ૨૦૨૧ સુધી ૫૨ પત્રકારોના કોરોનાના કારણે મોત થયાં. આ મોતમાંથી ૧૯ પત્રકારોના મોત ઉત્તર પ્રદેશ, ૧૭ પત્રકારોના મોત તેલંગાણા અને ૧૪ પત્રકારોના મોત મહારાષ્ટ્રમાં થયાં. આ અધ્યયનમાં એવા પત્રકારોને સામેલ કરવામાં આવ્યા છે જેઓ સમાચારના ક્ષેત્રમાં સ્ટ્રિંગર, ફ્રી લાંસર, ફોટો જર્નલિસ્ટ અને સિટીજન જર્નલિસ્ટ તરીકે કામ કરે છે.