Western Times News

Gujarati News

દહેગામ-મોડાસા રોડ પર અકસ્માત થતાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો ચાલુ છે ત્યારે રવિવારે દહેગામ-મોડાસા રોડ પર અકસ્માત થતાં ૩ લોકોના કમકમાટીભર્યા મોત થયાં હતા.બનાવ અંગે મળતી જાણકારી પ્રમાણે, દહેગામ-મોડાસા રોડ પર પાલૈયા નજીક રેવાબા સ્કુલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી. જેમાં પુરપાટ ઝડપે ચાલી જતા કાર પલટી ખાઇને રોડ સાઇડ ઉતરી આવી હતી.

આ દુર્ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને કારમાં સવાર લોકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જાે કે, આ બનાવને લીધે ૩ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે તાત્કાલિક અસરથી દોડી આવી હતી અને નંબર પ્લેટના આધારે તપાસ હાથ ધરી હતી.

રોડ સેફ્ટીમાં ગુજરાતના આંકડાઓની વાત કરવામાં આવે તો રાજ્યમાં દરરોજના ૧૮ લોકોના મૃત્યુ અકસ્માતમાં થાય છે. આ આંકડો ખરેખર નિરાશાજનક ગણાવી શકાય. છેલ્લા ૨ વર્ષમાં વાહન અકસ્માતમાં ૧૩,૪૫૬ લોકોના મૃત્યુ થયાં છે. તો આ સાથે જ રાજ્યમાં ૨ વર્ષમાં ૩૦,૩૭૭ વાહન અકસ્માતની ઘટના બની છે. રાજ્યની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં ૧૩૫૧ લોકોના મૃત્યુ થયાં છે. આ આંકડા રાજ્યમાં સૌથી વધુ અને ચિંતાજનક છે, બીજા નંબરે સુરતમાં ૧૨૩૭,તો રાજકોટમાં ૬૫૫,કચ્છમાં ૫૭૮ લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતની ઘટનામાં થયાં છે.

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જાે કે, વેક્સિનેશન કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને સારવાર પણ યોગ્ય રીતે અપાઇ રહી છે. હાલ કોરોનાને કારણે ગુજરાતમાં દરરોજના ૨-૩ લોકોના મોત થઇ રહ્યા છે. તો માર્ગ અકસ્માતની ઘટનાઓને કારણે ગુજરાતમાં દરરોજના ૧૮ લોકોના મોત થઇ રહ્યા છે.

રાજ્ય વિધાસભામાં ગુજરાત રોડ સેફ્ટી ઑથૉરિટી એક્ટ, ૨૦૧૮ લાગુ થયાના લગભગ ૩ વર્ષ બાદ ડિસેમ્બર, ૨૦૨૦માં એક્ઝીક્યુટીવ કમિટી મેમ્બરની નિમણૂક સાથે રોડ સેફ્ટી ઑથોરિટીની રચના કરવામાં આવેલ. જણાવી દઇએ કે, કેરળ બાદ ગુજરાત ભારતનુ એવુ બીજુ રાજ્ય છે જેણે એવી સમિતિની રચના કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.