મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવ્યો
જરાય ડર્યા વગર હિંમત રાખીને સાવચેતી સાથે જરૂરી સારવાર મેળવી સ્વસ્થ થયા
કહેવાય છે કે, રોગને મન ઉપર હાવી ન થવા દઈને હિંમતથી સામનો કરો તો કોરોના જેવા મહારોગમાંથી પણ સાંગોપાંગ બહાર આવીને ફરીથી સ્વસ્થ જીવન જીવી શકાય છે. આ બાબતને મોરબીના ૧૦૪ વર્ષના વૃદ્ધાએ સિદ્ધ કરી બતાવી છે. તેઓએ દ્રઢ મનોબળથી કોરોનાને હરાવી દીધો છે અને જરાય ડર્યા વગર હિંમત રાખીને જરૂરી દવા સહિતની સારવાર કરાવીને ફરીથી સ્વસ્થ થયા છે.
મૂળ માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના આલાપ રોડ ઉપર તિરુપતિ સોસાયટી પાસે આવેલ ક્રિષ્ના પેલેસ-૧૦૩ માં રહેતા છબીબેન નરસીભાઈ ધાનજા નામના વૃદ્ધા ૧૦૪ વર્ષની ઉંમરે પણ આરોગ્યની યોગ્ય કાળજી લઈને શરીરે એકદમ ચુસ્ત છે. આટલી ઉંમરે તો કોઈ ભાગ્યે જ આ મહામારી માંથી બહાર આવી શકે છે ત્યારે આ વૃદ્ધા જીવનના ૧૦૦ પુરા કર્યા બાદ પણ સ્વસ્થ રહીને પોતાની ચાર પેઢી સાથે હસીખુશીથી સુખી જીવન જીવે છે. ૧૫ દિવસ પહેલા વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થયા હતા. પણ તેઓ અડગ મનોબળ ધરાવતા હોવાથી કોરોનાના હાઉને જરાય મનમાં હાવી થવા દીધો ન હતો એના બદલે જરૂરી સાવચેતી રાખી ઘરે રહીને ગરમ પાણી, દવા સહિતની જરૂરી સારવાર લીધી હતી. તેમનું ઓકિસજન લેવલ પણ જળવાઈ રહ્યું હતું.
ખાસ કરીને વૃદ્ધાએ મક્કમ મનોબળ રાખીને કોરોનાને મ્હાત આપી હતી અને ફરીથી તેઓ સ્વસ્થ બનીને જીવન જીવે છે.આ બાબત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે, કોઈપણ ઉમેરે ગમે તેવી ગંભીર બીમારી લાગુ પડી હોય પણ એ બીમારીનો બીજો મન ઉપર હાવી ન થવા દો અને હિંમતપૂર્વક ઉપચાર કરો તો રોગને તમારા શરીરથી પીછો છોડવા મજબૂર બનવું પડશે.