યુપીમાં શુક્રવાર રાતથી ગુરૂવાર સવારના સાત સુધી લોકડાઉન
લખનૌ: કોરોનાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે એક તરફ લોકડાઉનની માંગણી વચ્ચે સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર અને રાજ્ય સરકારને તેના પર વિચાર કરવા માટે કહ્યું છે ત્યારે યુપી સરકારે વિકએન્ડ લોકડાઉનમાં વધુ બે દિવસ ઉમેરવામાં આવ્યા છે. એટલે કે હવે શુક્રવારે રાત્રે ૮ વાગ્યે શરુ થનારું વીકએન્ડ લોકડાઉન ગુરુવારના સવાર ૭ વાગ્યા સુધી યથાવત રહેશે. એટલે કે અઠવાડિયાના બે દિવસ ગુરુવાર સવારે ૭ વાગ્યાથી શુક્રવારે રાત્રે ૮ વાગ્યા સુધી જ મુક્તિ મળશે.
કોરોના સંક્રમણને જાેતા ઉત્તરપ્રદેશમાં વીકએન્ડ લોકડાઉન આગામી ૨ દિવસ સુધી વધારવામાં આવ્યું છે. જેમાં હવે ૬ મેએ સવારે ૭ વાગ્યા સુધી પ્રતિબંધો યથાવત રહેશે. આ પહેલા યુપીમાં ત્રણ દિવસના વીકએન્ડ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી જે મંગળવારે સવારે ૭ વાગ્યે સમાપ્ત થતું હતું. પરંતુ હવે તેમાં ૪ અને ૫ એમ બે દિવસ વધારવામાં આવ્યા છે.
વીકએન્ડ લોકડાઉન દરમિયાન પ્રતિબંધો રહેશે, પરંતુ જરુરી વસ્તુઓ દુકાનો અને જરુરી સેવાઓ ચાલુ જ રહેશે. રાજ્યમાં અચાનક આવેલા કોરોનાના કેસમાં ઉછાળાના કારણે નિયંત્રણો લગાવવામાં આવ્યા છે.
રવિવારે રાજ્યમાં વધુ ૩૦,૯૮૩ દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે જે પહેલા શનિવારે આ આંકડો ૩૦,૩૧૭ હતો. ગઈકાલે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ એક દિવસમાં ૨,૯૭,૦૨૧ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.
બીજી તરફ રાજ્યમાં નવા નોંધાયેલા કેસ કરતા સાજા થયેલા દર્દીઓનો આંકડો મોટો નોંધાયો છે. પાછલા ૨૪ કલાકમાં રાજ્યમાં ૩૬,૬૫૦ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે. જ્યારે વધુ ૨૯૦ દર્દીઓએ કોરોનાની સામે દમ તોડ્યો છે.