મેસેજ વગર ખાતાથી ૨.૧૮ લાખ ગઠિયાએ સેરવી લીધા
અમદાવાદ: લોકોના પૈસા સેરવી લેવા ગઠિયાઓ અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે કદાચ પહેલી વાર એવો કિસ્સો સામે આવ્યો જેમાં ગઠીયાએ પૈસા સેરવી લેવા જે તે વ્યક્તિનો નંબર જ બંધ કરાવી દીધો. જેથી તેને એસએમએસ ન જાય અને જાણ ન થાય. પણ જ્યારે કોલસેન્ટરમાં ફોન કરતા કોઈ વ્યક્તિએ નંબર બધ કરાવ્યો હોવાનું સામે આવતા ઠગાઈનો ભોગ બનેલી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી ૨.૧૮ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે.
કૃષ્ણનગરમાં રહેતા પ્રચેતા બહેન ઠક્કર તેમના ભાઈ સાથે મળીને ત્રીસેક વર્ષથી એલઆઇસી એજન્ટ તરીકે કામ કરે છે. જેતે ગ્રહકોનું પ્રીમિયમ તેઓની પાસે આવે તે નાણાં તેઓના ખાતામાં તેઓ જમા કરાવતા હતા. આ એકાઉન્ટ અને પ્રાઇવેટ એકાઉન્ટ બંનેનો વહીવટ આ મહિલાના ભાઈ જ કરતા હતા. ત્યારે ગત ૧૯મી એપ્રિલના રોજ તેઓનો વોડફોનનો નંબર બંધ થઈ ગયો હતો.
વારંવાર ચેક કરવા છતાંય નંબર ચાલુ થયો નહોતો. કોરોના મહામારીને કારણે સ્ટોર બંધ હોવાથી તેઓ કઈ કરી શક્યા નહોતા. ત્યારે ૨૨મીએ મહિલાના ભાઈ જયેશ ભાઈએ ૧.૨ લાખ રૂપિયા તેઓને ટ્રાન્સફર કર્યા હતા. આ રકમ બપોર બાદ તેઓ એલઆઇસીમાં ટ્રાન્સફર કરવા જતા હતા પણ એડાઉન્ટમાં બેલેન્સ ન હોવાની જાણ તેઓને થઈ હતી. તપાસ કરી તો ૯૪ હજાર જમા થયેલા અને બને એકાઉન્ટમાંથી ૨.૧૮ લાખ રૂપિયા ટ્રાન્સફર થયું હતું. જેથી ફ્રોડ થયું હોવાની જાણ થતા બેંકનો સંપર્ક કર્યો પણ બેન્ક બંધ થયા. બાદમાં મેસેજ ન આવ્યો હોવાથી બેન્ક અને વોડાફોન સ્ટોરમાં લેખિત અરજી આપી હતી.
તેમના એકાઉન્ટમાંથી નાણાં ટ્રાન્સફર કરતા પહેલા મેસેજ ન આવે તે માટે કોઈ વ્યક્તિએ કોલ સેન્ટરમાં ફોન કરી વેરિફિકેશન કરાવી નંબર બંધ કરાવી આ ઠગાઈ આચરી હોવાનું ધ્યાને આવ્યું હતું. સમગ્ર મામલે પ્રચેતા બહેને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજીબ ઠગાઈના કિસ્સામાં તપાસ શરૂ કરી છે.