Western Times News

Gujarati News

મહિન્દ્રાએ ઓક્સિજનનો પુરવઠો ઝડપથી સુનિશ્ચિત કરવા ‘ઓક્સિજન ઓન વ્હીલ્સ’ સર્વિસ શરૂ કરી

મહિન્દ્રાએ જરૂરિયાત મુજબ ઓક્સિજનના સીલિન્ડર ઝડપથી અને સલામત રીતે પ્રદાન કરવા પરિવહન સંબંધિત અવરોધો દૂર કરવા 100 વાહનો કામે લગાવ્યાં

મુંબઈ, કોરોનાવાયરસ રોગચાળાની બીજી લહેર વચ્ચે ભારત ઓક્સિજનના પુરવઠાની તીવ્ર ખેંચનો સામનો કરી રહ્યો છે. મહિન્દ્રા ગ્રૂપે ફ્રી સર્વિસ પહેલ ‘ઓક્સિજન ઓન વ્હીલ્સ’ (O2W) શરૂ કરી છે, જે અતિ જરૂરિયાતના સમયમાં હોસ્પિટલો અને તબીબી કેન્દ્રો સાથે ઓક્સિજનના ઉત્પાદકોને જોડીને ઓક્સિજનની ઉપલબ્ધતા વધારશે.

O2W મુંબઈ, થાણે, પિમ્પરી-ચિંચવાડ, ચાકણ, નાસિક અને નાગપુરમાં શરૂ થઈ છે, જ્યાં અત્યારે મહિન્દ્રાના 100 વાહનો ઓક્સિજનનું પરિવહન કરે છે. આ ફ્રી સર્વિસ અન્ય શહેરોમાં, ખાસ કરીને દિલ્હીમાં શરૂ કરવા નાગરિક વહીવટીતંત્ર અને સરકારી વિભાગો સાથે ચર્ચા ચાલુ છે. દિલ્હીમાં ઓક્સિજનની તીવ્ર ખેંચ છે. છેલ્લાં 48 કલાકમાં જબરદસ્ત પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ઓક્સિજનના સીલિન્ડર સીધા દર્દીઓના ઘરે પ્રદાન કરવાની આ પહેલ વિચારણા હેઠળ છે.

O2Wનું સંચાલન મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા લોજિસ્ટિક્સ કરશે, જેણે આ પ્રોજેક્ટ પર સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. પોતાના ડિસ્પોઝલ તથા ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરમાં વાહનના મોટા કાફલા સાથે મહિન્દ્રા લોજિસ્ટિક્સ પ્રાણવાયુ ઓક્સિજનના પુરવઠાની સતત સાંકળ ઊભી કરવા તેમજ સલામત અને વિશ્વસનિય રીતે હોસ્પિટલો અને તબીબી કેન્દ્રોમાં પરિવહન કરવા કામ ચાલુ છે.

આ પહેલ વિશે મહિન્દ્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ અનિશ શાહે કહ્યું હતું કે, “અમે હાલના પડકારને ઝીલવા અમારા સંસાધનો અને ક્ષમતાઓનો ઉપયોગ કરવા કટિબદ્ધ છીએ. ઓક્સિજન ઓન વ્હીલ્સ કિંમતી જીવન બચાવવામાં મદદ કરવા અને અમારી હેલ્થકેર સર્વિસીસ પર દબાણ ઘટાડવા સ્થાનિક સત્તામંડળ સાથે ભાગીદારીની તાત્કાલિક જરૂરિયાત પૂર્ણ કરશે.”

મહિન્દ્રા ગ્રૂપ કોવિડ-19 સામેની લડાઈમાં મોખરે છે. ગ્રૂપે વિવિધ પ્રયાસો હાથ ધર્યા છે – જેમ કે કોરોનાવાયરસ સામે લડવા સરકારના રાહત પ્રયાસોને જાળવી રાખવા ફંડ ઊભું કરવું અને આઇસીયુ બેડ પ્રદાન કરવા, ઇમરજન્સી કેબ સેવાઓ, ક્વારેન્ટાઇન કેન્દ્રો પ્રદાન કરવા, વંચિતોને નાણાકીય મદદ કરવી અને અનાજ આપવું, પોતાની ઉત્પાદન લાઇનને રિ-એન્જિનીયરિંગ કરવી અને અતિજરૂરી પીપીઇ, ફેસ શીલ્ડ, ફેસ માસ્ક અને એરોસોલના બોક્ષના ઉત્પાદનની સુવિધા ઊભી કરવી.

ઉપરાંત ગ્રૂપ ઓક્સિજનના પ્લાન્ટ સ્થાપિત કરવા અને આઇસોલેશન કેન્દ્રો ઊભા કરવા સરકાર સાથે કામ કરે છે. એમએન્ડએમના પ્લાન્ટ તેમજ એના સપ્લાયર્સ કોઈ પણ ઔદ્યોગિક પ્રવૃત્તિ માટે ઓક્સિજનનો ઉપયોગ કરતા નથી. ટેક મહિન્દ્રા વિવિધ હોસ્પિટલમાં મદદ કરતા નર્સિંગ એકેડેમીના સ્ટાફ અને વિદ્યાર્થીઓને સપોર્ટ કરે છે. ગ્રૂપ માટે રસીકરણ મુખ્ય પ્રાથમિકતા છે તથા તમામ એસોસિએટ્સ અને પરિવારજનો માટે 100 ટકા રસીકરણ પર ભાર મૂક્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.