કોરોના સંક્રમણ વધતા બિહારમાં ૧૫ મે સુધી લોકડાઉનની જાહેરાત

પટણા: બિહારમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને નીતિશ સરકારે ૧૫ મે સુધી લોકડાઉન કરવાનો ર્નિણય કર્યો છે. મંગળવારે, સીએમ નીતિશ કુમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેની બેઠક સાથે, ૧૫ મે સુધીમાં બિહારમાં સંપૂર્ણ લોકડાઉન લાદવાનાં ર્નિણય પર આખરી મહોર લગાવી દીધી છે. મુખ્યમંત્રીએ પોતે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.
બિહારમાં કડક પ્રતિબંધ હોવા છતાં, કોરોનાનાં કેરની વચ્ચે ૧૫ મી મે સુધી સંપૂર્ણ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમારે કોરોનાની ગતિ ઘટાડવા માટે ૧૫ મે સુધી સંપૂર્ણ લોકડાઉન કરવાની જાહેરાત કરી છે. બિહારમાં આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ જૂથની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો છે. બીજી તરફ, પટના હાઇકોર્ટે પણ કોરોના સંક્રમણમાં થઇ રહેલા વધારાને અને તેને પહોંચી વળવાને લઇને કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે એડવોકેટ જનરલને રાજ્ય સરકાર સાથે વાત કરવા અને રાજ્યમાં લોકડાઉન લગાડવામાં આવશે કે કેમ તે કહેવા જણાવ્યું હતું. સાથે એમ પણ કહ્યું હતું કે જાે આજે ર્નિણય નહીં આવે તો હાઈકોર્ટ કડક ર્નિણય લઈ શકે છે.
પટના હાઇકોર્ટે કોરોના દર્દીઓની સારવાર સંદર્ભે દાખલ કરેલી પીઆઈએલની સુનાવણી કરતી વખતે આ સવાલ પૂછ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, આદેશ બાદ પણ કોરોના દર્દીઓ માટે સારવારની સુવિધામાં વધારો કરવામાં આવ્યો નથી. રાજ્યની હોસ્પિટલોમાં અવિરત ઓક્સિજન સપ્લાય માટે કોઈ નક્કર કાર્યવાહી કરવાની યોજના નથી. કેન્દ્રીય ક્વોટામાંથી રોજનાં ૧૯૪ ટનને બદલે માત્ર ૧૬૦ ટન ઓક્સિજન ઉપાડવામાં આવી રહ્યું છે. રાજ્યમાં કોઈ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી નથી, જેણે આ કોરોના વિસ્ફોટ સાથે કામ કરે, કોઈ વોર રૂમ પણ બનાવવામાં આવ્યો નથી.
સોમવારે બિહારમાં કોરોનાથી ૧૭૪ લોકોનાં મોત થયાં હતા. પટનામાં જ ૪૨ નાં મોત નીપજ્યાં, જ્યારે બિહારનાં અન્ય જિલ્લાઓમાં ૧૩૨ લોકો મૃત્યુ પામ્યા. જાે કે, આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં ૮૨ લોકોનાં મોત સારવાર દરમિયાન થયાં હતાં. મગધ, ભોજપુર અને સારણમાં, કોરોનાથી ૫૯ લોકોએ જીવ ગુમાવ્યો. ગયામાં નવ, સીવાન અને બેગુસરાયમાં આઠ, રોહતાસમાં છ, નાલંદા અને વૈશાલીમાં પાંચ-પાંચ મોત થયા છે. કોરોનાએ ભોજપુર અને બક્સરમાં ચાર, અરવલમાં ત્રણ, સારણ, ગોપાલગંજ અને કૈમૂરમાં બે-બે અને જહાનાબાદમાં એકનું મોત થયુ છે.