મમતા મંત્રીમંડળમાં અનેક નવા ચહેરા જાેવા મળશે
કોલકતા: બંગાળ વિધાનસભા ચુંટણીમાં દમદાર જીત બાદ ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ સરકાર રચવાની કવાયત શરૂ કરી દીધી છે. આ સાથે જ મમતા બેનર્જી સરકારમાં મંત્રીઓને લઇને પણ અટકળો શરૂ થઇ ગઇ છે. પાર્ટી સુત્રોનું કહેવુ છે કે મંત્રીમંડળમાં જુના ચહેરાની સાથે સાથે નવા ચહેરાને પણ તક આપવામાં આવશે પાર્ટી સુત્રોનું કહેવું છે કે મંત્રીઓમાં જુના મંત્રીઓ પાર્થ ચેટર્જી,અરૂપ વિશ્વાસ ફિરહાદ હકીમ સુબ્રત મુખર્જી શોભનદેવ ચટ્ટોપાધ્યાય જેવા નામ સામેલ રહેશે પરંતુ તેમાંથી કેટલાકના વિભાદ બદલવામાં આવે તેવી સંભાવના છે.
મમતાએ પોતાના બે કાર્યકાળમાં અમિત મિશ્રાને નાણાંમંત્રી બનાવ્યા હતાં પરંતુ આ ચુંટણીમા અમિત મિશ્રાને ટીકીટ આપવામાં આવી ન હતી આથી નાણાંમંત્રીને લઇ અટકળો શરૂ થઇ છે. એ યાદ રહે કે વર્ષ ૨૦૧૧માં જીત બાદ ટીએમસીના મહામંત્રી પાર્થ ચેટર્જીને નાંણા મંત્રી બનાવવામાં આવ્યા હતાં. પરંતુ બાદમાં અમિત મિશ્રાને નાણાં મંત્રીની જવાબદારી સોંપી તેમને શિક્ષણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત મંત્રીમંડળમાં શિવપુરથી ચુંટાયેલા પૂર્વ ક્રિકેટર મનોજ તિવારીને તક મળી શકે છે તેમને ખેલ અને યુવા રાજયમંત્રી જેવું પદ મળી શકે છે. આ સાથે આ ચુંટણીમાં ઝાડગ્રામ મુર્શિદાબાદ અને માલદાથી સારા પરિણામ આવ્યા છે આથી નવા વિસ્તારમાંથી ચુંટાયેલા ધારાસભયોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે
એ યાદ રહે કે પશ્ચિમ બંગાળમાં ૨૯૨ બેઠકો પર થયેલી વિધાનસભાની ચુંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ૨૧૩ બેઠકો પર જીત હાંસલ કરી છે જયારે ૨૦૦ બેઠકો જીતવાનો દાવો કરનારી ભાજપ માત્ર ૭૭ બેઠકો જીતી શકી છે.