લોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી વસુલી ન શકેઃ સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: કોરોના મહામારીના આ સમયમાં દરેક વ્યક્તિ મુશેક્લીમાંથી પસાર થઇ રહ્યો છે. શાળાઓ લાંબા સમયથી બંધ છે અને શિક્ષણ અને ફીને લઇને વાલીઓ મુશ્કેલીમાં છે. શાળાઓની પોતાની દલીલો છે, તો સામે વાલીઓની પોતાની દલીલો છે. શાળાઓની ફીને લઇને ગયા વર્ષે પણ ઘણા રાજ્યોમાં હાઇકોર્ટ સુધી વાત પહોંચી હતી. ત્યારબાદ આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. જે અંગે આજે સુપ્રીમ કોર્ટનો ર્નિણય અને નિર્દેશ બંને આવી ગયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકડાઉનના સમયમાં શાળાઓ પુરી ફી ના વસુલી શકે.
સુપ્રીમ કોર્ટે સોમવારે રાજસ્થાનની ૩૬ હજાર બિન સહાયતા પ્રાપ્ત ખાનગી શાળાઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક ૧૫ ટકા ઓછી ફી વસૂલે. સાથે જ કોર્ટે સંચાકોને નિર્દેશ આપ્યો છે કે ફીની ચુકવણી ન થવા પર કોઇપણ વિદ્યાર્થીને અથવા અથવા ઓફલાઇન ક્લાસમાં સામેલ થવાથી રોકી ના શકાય. તેમની પરીક્ષા અને પરિણામ પણ ના રોકવું જાેઇએ.
સુપ્રીમે રાજસ્થાન હાઇ કોર્ટના આદેશને યથાવત રાખ્યો છે, જેમાં રાજસ્થાન વિદ્યાલય કાયદો ૨૦૧૬ અને સ્કૂલોમાં ફી નક્કી કરવા અંગેના કાયદા અંતર્ગત જે નિયમો બનવવામાં આવ્યા છે, તેના સામે કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી છે. જસ્ટિસ એ એમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ માહેશ્વરીની પીઠે ૧૨૮ પેજના પોતાના ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ અથવા વાલીઓ દ્વારા ફીની ચુકવણી છ સમાન હપ્તામાં કરવામાં આવશે.
બેંચે કહ્યું કે તે વાતને પણ નકારી ન શકાય કે મહામારીના કારણે લાગુ સંપૂર્ણ લોકડાઉનના કારણે અભૂતપૂર્વ સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ છે. તેની લોકો, ઉદ્યોગ જગત અને સમગ્ર દેશ પર ગંભીર અસર પડી છે. જસ્ટિસ ખાનવિલકરે ચુકાદામાં ઉલ્લેખ કર્યો કે આ પ્રકારના આર્થિક સંકટમાં મોટી સંખ્યામાં લોકોએ નોકરીઓ ગુમાવી છે. અપીલકર્તા પોતાના વિદ્યાર્થીઓ પાસેથી શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦ માટે વર્ષ ૨૦૧૬ના કાયદા અંતર્ગત નિર્ધારિત વ્યવસ્થા અનૂરૂપ ફી વસૂલ કરે, પરંતુ શૈક્ષણિક સત્ર ૨૦૨૦-૨૧ માટે વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં ન લેવામાં આવેલી સુવિધાઓને ધ્યાનમાં લેતા ફી ૧૫ ટકા ઓછી લેવામાં આવે. જાે સ્કૂલ પોતાના વિદ્યાર્થીઓને વધુ છૂટ આપવા માગે તો આપી શકે છે.