Western Times News

Gujarati News

શૅફ સંજીવ કપૂરે અમદાવાદ સિવિલના કોરોના વૉરિયર્સને નિઃશુલ્ક ભોજન પૂરું પાડવાનું શરુ કર્યું

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ માટે બન્યા “અન્નપૂર્ણા”

સેવાભાવી દાતાના સહયોગથી કોરોના વૉરિયર્સ – તબીબો માટે  સંજીવ કપૂરે કરી ત્રણ ટાઇમ ભોજનની વ્યવસ્થા

કોરોના મહામારીમાં ઘણી સેવાભાવી સંસ્થાઓ પ્રવર્તમાન સ્થિતિમાં મદદરૂપ થવા અને સેવાયજ્ઞમાં જોડાવા આગળ આવી રહી છે. નિઃસ્વાર્થપણે કોરોનાગ્રસ્ત દર્દીઓ, કોરોનાની સારવારમાં લાગેલા હોસ્પિટલ તંત્ર, કોરોના વૉરિયર્સને યથાશક્તિ મદદરૂપ બની રહી છે. ત્યારે દેશના પ્રતિષ્ઠિત શૅફ શ્રી સંજીવ કપૂર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા છે. તેમણે અન્ય સેવાભાવી દાતાના સહયોગથી એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભોજન પૂરું પાડવાનો નિર્ણય કર્યો છે.

આ માટે શ્રી સંજીવ કપૂરે અમદાવાદ શહેરમાં ૧૨ શૅફની નિમણૂક કરી છે. તેમણે સિવિલ હોસ્પિટલના તબીબો માટે ત્રણ ટાઇમ જમવાની વ્યવસ્થાનું બીડું ઝડપ્યું છે અને આ રીતે અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝિગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત તબીબો માટે તેઓ અન્નપૂર્ણા બન્યા છે.

શ્રી કપૂર દૃઢપણે માને છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવામાં રાઉન્ડ ધ ક્લોક સેવા આપી રહેલા તબીબોને સમયસર સ્વસ્થ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહેશે, તો તેમનામાં નવઊર્જાનો સંચાર થશે. તેઓ વધુ ઉત્સાહભેર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા-શુશ્રૂષા કરી શકશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી આ અંગે કહે છે કે બે દિવસ અગાઉ દેશના પ્રતિષ્ઠિત શૅફ શ્રી સંજીવ કપૂર દ્વારા સિવિલ હોસ્પિટલના તબીબોને ભોજન વ્યવસ્થા અંગેનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જે હોસ્પિટલ તંત્રએ સ્વીકાર્યો છે. અમે શ્રી કપૂરની સેવાભાવનાને બિરદાવીએ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.