લગ્નમાં ગયેલી પિતરાઈ બહેનોની ઝાડ પરથી લાશ મળી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/02/advt-western-2021-scaled.jpg)
પંચમહાલ: પંચમહાલના ઘોઘમ્બાના લાલપુરી ગામના જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પહોંચી ઘટના સ્થળે હતી. જાેકે, મૃતક બંને યુવતીઓ કાલોલના એરાલ પંથકની હોવાનું જણાઈ આવ્યું હતું. સાથે જ બંને યુવતીઓ પિતરાઈ બહેનો નીકળી હતી. ત્યારે યુવતીઓએ આત્મહત્યા કરી કે કોઈએ હત્યા કરી લટકાવી દીધી એ અંગેનું રહસ્ય સર્જાયું છે.
લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં એક લગ્ન સમારોહમાંથી રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી. જેના બાદ ગઈકાલે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી છે. બંને યુવતીઓ પિતરાઈ બહેનો છે. એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષા રયજી નજરું રાઠવા સોમવારે એક લગ્ન સમારોહમાં ગઈ હતી. મોડી રાત્રે બંને પરત ફરી ન હતી.
તેથી પરિવારજનોએ પણ તેમની શોધખોળ ચલાવી હતી. જેના બાદ ઝાડ પર લટકતી હાલતમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. આખરે આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જાેકે, બંને આટલા ઊંચા ઝાડ પર ચઢીને આત્મહત્યા કરે તેવી વાત પોલીસના ગળે ઉતરતી નથી. સાથે જ વર્ષા પગે વિકલાંગ હતી, તેથી તે ઝાડ પર કેવી રીતે ચડી શકે. ત્યારે આ રહસ્યમય ઘટના પર પોલીસે તપાસ શરૂ કરી છે.