આણંદ તથા નડિયાદમાં અમૂલ ડેરી દ્વારા ઓક્સિજન પ્લાન્ટ નખાશે
આણંદની ક્રિષ્ના હોસ્પિટલ તેમજ નડિયાદ સિવિલમાં તાત્કાલિક ઓક્સિજન પ્લાન્ટ નાખવા કામગીરી હાથ ધરાશે : સાંસદશ્રી મિતેષભાઈ પટેલ, અમૂલના ડાયરેક્ટર્સની બેઠકમાં લેવાયો નિર્ણય
વિશ્વભરમાં શ્વેતક્રાંતિમાં જેનું નામ મોખરે છે તેવી છેલ્લા છ દાયકાથી પશુપાલન કરતાં લાખો લોકોનાં સુખ-દુ:ખમાં હંમેશાં ભાગીદાર રહેતી અમૂલ ડેરી દ્વારા કોરોના મહામારીમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે આણંદ-નડિયાદ સિવિલ હોસ્પિટલમાં યુદ્ધના ધોરણે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવનાર છે. જે અંતર્ગત આણંદની ક્રિષ્ના હોસ્પિટલ તેમજ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
કોરોનાના વૈશ્વિક મહાસંકટ સમયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના દૂધ ઉત્પાદક સહકારી સંઘ અને ગ્રામીણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને આગળ આવી, લોકોને મદદરૂપ થવા અપીલ કરી છે ત્યારે આણંદના સાંસદશ્રી મિતેષભાઈ પટેલે અમૂલ ડેરીના સંચાલકો સાથે બેઠક યોજી હતી જેના નિષ્કર્ષરૂપે અમૂલ દ્વારા આણંદની ક્રિષ્ના હોસ્પિટલ તેમજ નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે એક-એક ઓક્સિજન પ્લાન્ટ તાત્કાલિક શરૂ કરવા તૈયારી દર્શાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી આણંદ અને ખેડામાં ઓક્સિજનના મર્યાદિત જથ્થાના સંજોગોમાં રાજય સરકાર દ્વારા પણ સહકારી સંસ્થાઓને માનવીય અભિગમ સાથે આગળ આવવા માટે કરવામાં આવેલી અપીલના પગલે અમૂલ ડેરીના ચેરમેનશ્રી રામસિંહભાઈ પરમાર, સાંસદશ્રી મિતેષભાઇ પટેલ, જીસીએમએમએફના એમડી શ્રી આર.એસ. સોઢી, અમૂલના શ્રી અમિત વ્યાસ તેમજ ક્રિષ્ના હોસ્પિટલના ડાયરેક્ટર્સ તથા નડિયાદ સિવિલના પ્રતિનિધિઓ સહિતના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં બન્ને જિલ્લામાં તાત્કાલિક ધોરણે ઓક્સિજન પ્લાન્ટ્સ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.