દેશની સેવા માટે પશ્ચિમ રેલ્વે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોનું પરિવહન ચાલુ છે
ગુજરાતના હાપાથી 5 ઓક્સિજન ટેન્કરમાં 104 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન દિલ્હી કેન્ટ મોકલવામાં આવ્યું
પશ્ચિમ રેલ્વે દ્વારા અત્યાર સુધીમાં 5 ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવામાં આવી છે અને 476.51 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન પરિવહન કરવામાં આવ્યું છે.
દેશભરમાં વિવિધ રાજ્યોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાના ભારતીય રેલ્વેના પ્રયત્નોને વેગ આપતા પશ્ચિમ રેલ્વે દ્વારા કોવિડ વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ ને મજબૂત બનાવવા અને કોવિડ દર્દીઓ અને તેમના પરિવારોને રાહત આપવા 5 મે 2021 ના રોજ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) ના પરિવહન માટે વધુ એક ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ચલાવવામાં આવી.
અત્યાર સુધી પશ્ચિમ રેલ્વેએ 5 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા 476.51 ટન ઓક્સિજન નું પરિવહન કર્યું છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા આ ટ્રેનોના સંચાલન પર નજર રાખવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનોને પ્રાથમિકતા ના ધોરણે ચલાવવામાં આવી રહી છે. આ ટ્રેનોને ઝડપથી મુકામ સુધી પહોંચવા માટે અવિરત રસ્તો પૂરા પાડવામાં આવી રહ્યો છે. આ બધાને લીધે, તેમને 50-53 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે ચલાવવું શક્ય બન્યું છે.
પશ્ચિમ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જાહેર કરાયેલ એક પ્રેસ રિલીઝ મુજબ 5 મે 2021 ના રોજ પશ્ચિમ રેલ્વે દ્વારા બીજી એક ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દિલ્હી પ્રદેશ તરફ દોડાવવામાં આવી હતી. ઓક્સિજન એક્સપ્રેસ 5 મે 2021 ના રોજ દિલ્હી કેન્ટ માટે ગુજરાતના હાપાથી 04:45 કલાકે રવાના થઈ,
જેમાં 5 ટેન્કર દ્વારા 104 ટન લીકવિડ મેડિકલ ઓક્સિજન વહન કરાયું હતું. મેસર્સ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા લિક્વિડ મેડિકલ ઓક્સિજનના સપ્લાય માટે ટેન્કર આપવામાં આવ્યા છે. આ ટ્રેન 6 મે 2021 ની સવારે 1230 કિમીનું અંતર કાપ્યા પછી દિલ્હી કેન્ટ પહોંચશે.
શ્રી ઠાકુરે માહિતી આપી કે પશ્ચિમ રેલ્વેએ અત્યાર સુધીમાં લગભગ 476.51 ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) 5 ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા પરિવહન કરી છે. 4 મે 2021 ના રોજ હાપાથી દિલ્હી પ્રદેશ માટે ચાલેલી ઓક્સિજન એક્સપ્રેસ 5 મે, 2021 ના રોજ સવારે 01.20 વાગ્યે દિલ્હી કેન્ટ
તથા મુન્દ્રા પોર્ટ થી 4 મે, 2021 ના રોજ ચાલેલી ઓક્સિજન એક્સપ્રેસ 5 મે, 2021 ના રોજ 02.35 વાગ્યે તુગલકાબાદ પહોંચી. આને લગભગ 53 – 56 કિ.મી. પ્રતિ કલાકની સરેરાશ ઝડપે અવિરત માર્ગ પર ચલાવવામાં આવી હતી, જેમાં ક્રાયોજેનિક કાર્ગોને લીધે તમામ સલામતીનાં પગલાં ની ખાતરી કરવામાં આવી હતી, જેથી તે ટૂંક સમયમાં અને વહેલા પહોંચી શકે.
તમામ પડકારોને સંબોધવા અને નવા નિરાકરણો / ઉકેલો શોધવા આ સંજોગોમાં ભારતીય રેલ્વે દેશભરના વિવિધ રાજ્યોમાં લિકવિદ મેડિકલ ઓક્સિજન (LMO) મિશન મોડ માં પ્રદાન કરવાની પ્રક્રિયા ચાલુ રાખશે. ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનો દ્વારા દેશભરમાં ઓક્સિજનની તીવ્ર જરૂરિયાતવાળા કોવિડ -19 દર્દીઓને મેડિકલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
આ ક્રમમાં, ભારતીય રેલ્વે દ્વારા 4 મે, 2021 સુધીમાં વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર (174 MT), ઉત્તર પ્રદેશ (492 MT), મધ્યપ્રદેશ (179 MT), દિલ્હી (464 MT), હરિયાણા (150 MT) અને તેલંગાણા ( 127 MT) ને 103 ટેન્કર દ્વારા 1585 મેટ્રિકથી વધુ લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO) પહોંચાડવામાં આવી છે.