કોરોના સામે બધા હથિયાર ફેઈલ ૨૪ કલાકમાં નવા ૪.૧૨ લાખ કેસ

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર ભયંકર જાેખમી જાેવા મળી રહી છે. હાલાત બદથી બદતર થઈ રહ્યા છે અને નવા કેસ મામલે વધારો થવાની સાથે સાથે મોતના આંકડામાં પણ ઉછાળો જાેવા મળી રહ્યો છે. કોવિડ-૧૯ના નવા કેસે અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોનાના નવા ૪.૧૨ લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે ૩૯૦૦થી વધુ મોત થયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા ૪,૧૨,૨૬૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો ૨,૧૦,૭૭,૪૧૦ પર પહોંચ્યો છે.
જેમાંથી ૩૫,૬૬,૩૯૮ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૩,૨૯,૧૧૩ દર્દીઓ રિકવર પણ થયા છે. જાે કે મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ૨૪ કલાકમાં કોરોનાએ ૩૯૮૦ લોકોનો ભોગ લીધો છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો ૨,૩૦,૧૬૮ પર પહોંચ્યો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૧૬,૨૫,૧૩,૩૩૯ લોકોનું રસીકરણ કરાયું છે. સતત વધી રહેલા કેસ વચ્ચે સવાલ ઉઠે છે કે આખરે કોવિડ-૧૯ની બીજી લહેરનો પીક ક્યારે આવશે અને ક્યારે કેસમાં ઘટાડો થવા લાગશે. સરકારના મેથમેટિકલ મોડલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ.વિદ્યાસાગરનું કહેવું છે કે કોરોના વાયરસનો પીક આ અઠવાડિયે પોતાના પીક પર રહી શકે છે
બીજી લહેરનો પીક ૭મી મેના રોજ થઈ શકે છે. ત્યારબાદ કોવિડ-૧૯ના કેસમાં ઘટાડો જાેવા મળશે. પ્રો.વિદ્યાસાગરે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે કોરોના વાયરસને લઈને દરેક રાજ્યમાં સ્થિતિ અલગ અલગ રહેશે અને કોવિડ-૧૯ના પીક પર પહોંચવાનો સમય પણ થોડો અલગ અલગ રહી શકે છે. જાે કે તેમણે કહ્યું કે જે પ્રકારે કોરોના વાયરસના કેસ સમગ્ર દેશમાં વધી રહ્યા છે તે જાેઈએ તો તે તેના પીક પર છે કે અથવા તો તેનાથી ખુબ નજીક છે. તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી અને સૌથી પહેલા કોરોનાનો પીક પણ અહીં જ આવશે
સૌથી પહેલા દર્દીઓની સંખ્યા ઘટવાની શરૂઆત પણ અહીંથી થશે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રની સરહદ સાથે જાેડાયેલા રાજ્યોમાં પણ કોરોનાના આંકડા વધુ રહેશે. જ્યારે જે રાજ્ય મહારાષ્ટ્રથી દૂર હશે ત્યાં પીક ધીરે ધીરે આવશે અને કેસ પણ મોડેથી ઓછા થશે. દેશભરમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કેસ હવે ૪૮ લાખ પાર ગયા છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૪૮ લાખ ૮૦ હજાર ૫૪૨ પર પહોંચ્યા છે. જ્યારે અત્યાર સુધી ૭૨૬૬૨ લોકોના કોરોનાથી મોત થયા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ બુધવારે એક જ દિવસમાં કોરોનાથી રાજ્યમાં ૫૭૬૪૦ નવા દર્દીઓ નોંધાયા જ્યારે ૯૨૦ લોકોના મોત થયા. આ ઉપરાંત સારી વાત એ છે કે ૫૭૦૦૬ દર્દીઓ રિકવર પણ થયા. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે બહાર પાડેલા આંકડા મુજબ ગુજરાતમાં નવા ૧૨૯૫૫ દર્દીઓ નોંધાયા છે.
જ્યારે ૧૩૩ દર્દીઓએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. એક દિવસમાં રાજ્યમાં ૧૨૯૯૫ દર્દીઓ રિકવર થયા છે. રાજ્યમાં અમદાવાદમાં ૪૨૪૮ દર્દીઓ, સુરતમાં ૧૪૬૬ દર્દીઓ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૬,૩૩,૪૨૭ થયા છે. જ્યારે અત્યાર સુધીમાં ૭૯૧૨ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે.