નવયુગલે વાંસની લાકડીથી એક-બીજાને માળા પહેરાવી
છત્તીસગઢ: દેશમાં કોરોના વાયરસની બીજી લહેરને પગલે હવે સરકારે નિયંત્રણો વધાર્યા છે. ત્યારે લગ્ન સમારંભ જેવા સામાજીક પ્રસંગે માસ્ક, સેનેટાઈઝર તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન જરૂરી છે. આ વચ્ચે છત્તીસગઢના એક યુગલે કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. છત્તીસગઢના યુગલના લગ્ન કોરોના કાળમાં ગોઠવાતા તેમણે એક અલગ અંદાજમાં લગ્ન કર્યા. તમામ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું, એટલે સુધી કે વર-વધુએ પોતે પણ સામાજિક અંતર જળવાઈ રહે તે માટે એકમેકને વરમાળા પહેરાવવા માટે વાંસની લાકડીનો ઉપયોગ કર્યો હતો. ટ્વીટર પર છત્તીસગઢના એડીશનલ ટ્રાન્સપોર્ટ કમિશ્નર દિપાંશુ કાબરાએ તેનો વિડીયો શેર કર્યો છે.
તેને ઉત્તમ ઉદાહરણ જણાવતા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગની પ્રેરણા લેવા આહ્વાન કર્યું છે. ઇવેન્ટ મેનેજરો મહામારી વચ્ચે કોવિડ-૧૯ પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને લગ્ન કરવાની વિચિત્ર નવી રીતો લઈને આવી રહ્યા છે, કાબરાએ વિડીયો સાથે હિન્દીમાં કેપ્શન લખ્યું છે કે, કોરોનામાં લગ્ન સફળતાપૂર્વક સંપન્ન કરવા માટે ઈવેન્ટ મેનેજર્સ કેવા કેવા જુગાડુ નિવારણ કાઢી રહ્યા છે. ઘણા લોકો આ જાેઈને હસ્યા હતા, કેટલાકને આશ્ચર્ય પણ થયું હતું કે કોવિડથી ઉદ્દભવેલા સખત પડકારોનો દેશ સામનો કરી રહ્યા છે, ત્યારે સવાલ ઉઠે કે શું આ સ્થિતિમાં લગ્ન કરવા જરૂરી છે? વધતા જતા કોવિડ કેસો વચ્ચે સામાજિક જવાબદારીઓ અને પ્રસંગો પણ કરવા રહ્યા. આપણે કોરોના સાથે જ જીવતા શીખવાનું છે,
તો કોરોનાના નિયમોમાં રહીને વચગાળાનો રસ્તો શોધી લેવો જ જાેઈએ. આ ઉગાઉ મધ્યપ્રદેશના એક દંપતીએ પણ લગ્ન અગાઉ કોરોના વાયરસ પોઝિટીવ ટેસ્ટ આવ્યા બાદ પીપીઈ કીટ પહેરીને લગ્ન સંપન્ન કર્યા હતા. જેને જાેઈને પણ લોકો આશ્વર્યમાં મુકાયા હતા અને સોશિયલ મીડિયા પર ફોટો તથા વિડીયો વાયરલ થયા હતા. અહિં વરવધુ સહિત પુજારી તથા થોડા ઘણાં મહેમાનોએ પણ પીપીઈ કીટ પહેરવી પડી હતી. ઉલ્લેખનીય છે કે, દેશમાં બે દિવસની આંશીક રાહત બાદ આજે ફરી કોરોના વાયરસ દૈનિક કેસનો આંકડો ૩ લાખ ૮૨ હજારથી વધુ કેસ નોંધાયા છે.
ત્યાર બાદ કુલ કેસનો આંકડો ૨,૦૬,૬૫,૧૪૮એ પહોંચ્યો છે. રિકવરી રેટ પણ ઘટતો જઈને ૮૨ ટકા પર આવીને અટક્યો છે. કોરોનાની બીજી લહેરમાં ફેલાતો જતો રોગચાળો અને હોસ્પિટલમાં સાધનોની અછતને પગલે હાહાકાર મચ્યો છે.