Western Times News

Gujarati News

ઓટોરીક્ષામાં સારવાર અર્થે આવ્યા ત્યારે જીવવાની જીજીવિશા છોડી ચૂક્યા હતા

હોસ્પિટલ કેમ્પસનો રાઉન્ડ લેતી વખતે અતિગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ ધરાવતા દર્દી પર નઝર પડી… સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટની સંવેદનશીલતા દર્શાવતો કિસ્સો

ઓટોરીક્ષામાં બેસેલા કોમલબેનની સ્વાસ્થ્ય સ્થિતિ ગંભીર જણાઇ આવતા તબીબી ટીમને તરત જ દાખલ કરાવવા આદેશ આપ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડે ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં એક હ્યદયસ્પર્શી કિસ્સો સર્જાયો હતો. ગત અઠવાડિયે ઓટો રિક્ષામાં બેસી સારવાર અર્થે આવેલા કોમલબેનને આજે સાજા થઇ ઓટો રિક્ષામાં પરિવાર સાથે પાછા ફર્યા છે.

આ બંને ઘટના વચ્ચે ફરક એટલો જ રહ્યો કે ‘ હોસ્પિટલમાં આવ્યાં ત્યારે મરણપથારીએ હોય તેવી ભીતી સાથે દાખલ થયા હતા જ્યારે ડિસ્ચાર્જ થઇને ઘરે ગયા ત્યારે પરિવાર સાથે સ્મિત છલકાતુ હોય તેવી અનુબભૂતિ સાથે “ચાલ જીવી લઈએ”નો  દ્રઢ સંકલ્પ કરી સ્વગૃહે પરત ફર્યા’.

સમ્રગ ઘટના એવી છે કે, ૨૯ મી એપ્રિલના રોજ કોમલબેનનું ઓક્સિજન સ્તર ખૂબ જ ઓછુ થઇ જવાથી તેમનો પરિવાર ચિંતાતુર બન્યો. અગાઉથી કોરોના સંક્રમિત કોમલબેનની શારિરીક સ્થિતિ વધુ કથડતી જોઇને તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦  બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા.

અહીં હોસ્પિટલ બહાર એમ્બુલન્સની લાઇનમાં પોતાની ખાનગી ઓટોરીક્ષામાં સારવાર અર્થે આવી પહોંચ્યા. તે દરમિયાન હોસ્પિટલની જુનિયર તબીબોની ટીમ દ્વારા “ટ્રીટમેન્ટ ઓન વ્હીલ” થી પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી.

આ દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદી અને તેમની ટીમ દ્વારા કેમ્પસનું રાઉન્ડ લેતી વેળાએ ડૉ. જે.વી. મોદીની નઝર આ ઓટો રીક્ષામાં બેસેલા કોમલબેન પંડ્યા પર પડી. તેમની શારિરીક સ્થિત વધુ ગંભીર જણાઇ રહી હતી. જેથી ડૉ. મોદી ત્યાં દોડી આવ્યા અને તેમની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ કરવા કહ્યું .જે દરમિયાન કોમલબેનનું ઓક્સિજન સ્તર ૪૫ થી ૫૦ જેટલું જણાઇ આવતા સંવેદનશીલ સુપ્રીન્ટેન્ડેન્ટે કોમલબેન પંડ્યાને સધન સારવાર માટે ટ્રાયેજ વિસ્તારમાં લઇ પ્રોગ્રેસિવ સારવાર આપવા આદેશ આપ્યો.

ક્ષણભરનો પણ વિલંબ કર્યા વિના ડૉ. કાર્તિકેય પરમાર અને તેમની ટીમ કોમલબેનને ટ્રાયેજ એરીયામાં લઇ ગયા. ત્યાં કોમલબેનના અન્ય શારિરીક માપદંડો તપાસતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ કરવાની ફરજ પડી.

આઇ.સી.યુ.માં દાખલ કર્યા બાદ તબીબો દ્વારા કોમલબેનની પ્રોગેસિવ સારવાર શરૂ કરવામાં આવી. કોમલબેનને મળેલી સધન સારવાર બાદ તેમની શારિરીક સ્થિતિમાં મહદઅંશે સુધાર થતો જોવા મળ્યો. અને ફક્ત છ દિવસના ટૂંકા ગાળામાં તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ થઇને હસતા મુખે ઘરે પરત ફર્યા છે.

કોમલબેન સાજા થઇને પરત ઘરે ફરી રહ્યાં હતા ત્યારે લાગણીસભર સ્વરે કહી રહ્યા હતા કે,હું જ્યારે હોસ્પિટલમાં આવી ત્યારે જીવવાની આશા જ છોડી ચૂકી હતી. હોસ્પિટલમાં દાખલ થતા જ મરણપથારીએ હોવ તેવું ભાસી રહ્યું હતુ. ઓક્સિજન સ્તર ગબડવાના કારણે મને વધુ  કંઇકે યાદ ન હતુ પરંતુ એટલું જરૂર યાદ છે કે ઓટો રીક્ષામાં હતી ત્યારે ડૉક્ટરના ગણવેશમાં કોઇક વ્યક્તિ મારૂ ઓક્સિજન લેવલ તપાસી રહ્યું હતુ. તેમની સાથે બીજા ૨ થી ૩ માણસો હતા .તે ક્ષણે કોઇકે મને તરત અંદર દાખલ કરીને સારવાર આપવા અને આઇ.સી.યુ.માં લઇ જવા કહ્યુ હતુ. પાછળથી ભાનમાં આવ્યા બાદ મને ખબર પડી કે તે માણસ સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ટ હતા. મારૂ આ નવજીવન છે. જે સિવિલ હોસ્પિટલના તબીબો અને તમામ સ્ટાફ મિત્રોને તેનો શ્રેય જાય છે તેમ કોમલબેન ઉમેરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ કે ખાનગી વાહનમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે ટ્રીટમેન્ટ ઓન વ્હીલ સેવા શરૂ કરવામાં આવી છે. તદ્ઉપરાંત તબીબી ટીમ દ્વારા સ્થળ પર જ દર્દીની શારિરીક સ્થિતિ તપાસતા તે ગંભીર જણાઇ આવે ત્યારે સધન સારવાર અર્થે વિના વિલંબે હોસ્પિટલમાં દાખલ કરવાને પ્રાધાન્ય આપીને ત્વરિત સારવાર શરૂ કરી દેવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.