સમસ્ત મહાજને કોરોનાકાળમાં કરેલાં અપ્રતિમ સેવાકાર્યોની ઝીણવટભરી વિગતો પુસ્તકરૂપે
22 માર્ચ 2020થી અત્યાર સુધી અનવરત ચાલી રહેલાં સેવાકાર્યોની રજેરજની વિગતોનો આ સંપુટ દાતાઓ, અધિકારીઓ, સામાન્યજનો સૌને ઉપયોગી છે. સેવાકાર્યો કરતી અથવા કરવા ઝંખતી સંસ્થા વ્યક્તિઓ માટે એ માર્ગદર્શક બની શકે છે, પુસ્તક ડિજિટલ અને પ્રિન્ટ બેઉ સ્વરૂપમાં વિનામૂલ્યે મેળવી શકાય છે
મુંબઈ, અગ્રણી સેવાસંસ્થા સમસ્ત મહાજને કોરોનાવાઇરસના સંકટકાળમાં દેશનાં અનેક રાજ્યોમાં અનુમોદનીય રાહતકાર્યો કરીને લાખો દુઃખિયારાઓનાં આંસુ લૂછ્યાં અને શાતા પહોંચાડી છે. પ્રથમ અને અત્યાર સુધીના કદાચ આખા વિશ્વના સૌથી આકરા એવા લૉકડાઉનની શરૂઆત સાથે સમસ્ત મહાજને રાહતકાર્યો આદરી દીધાં હતાં. Samasta Mahajan
22 માર્ચ 2020થી શરૂ થયેલું આ સેવા આંદોલન આજ સુધી જારી છે. સામાન્યજનોને, દાતાઓને, અધિકારીઓને અને સાધુસંતોને પણ આ કાર્યોની વિગતવાર જાણકારી પ્રાપ્ત થાય તેવા શુભ ઉદ્દેશ સાથે સમસ્ત મહાજને કોરોનાકાળનાં સેવાકાર્યોની સંપૂર્ણ વિગતોના સંપુટ સમાન એક દરજ્જેદાર પુસ્તક હાલમાં પ્રસિદ્ધ કર્યું છે. પુસ્તકનું શીર્ષક ચલો કુછ અચ્છા હો જાયે છે અને એ હિન્દીમાં છે.
“સેવાકાર્ચો કરવાં એ સમસ્ત મહાજનના એકએક સભ્ય અને કાર્યકર્તાનો સ્વભાવ છે. એની વિગતો સૌના સુધી પહોંચાડવી એ પણ સેવા જેટલી અગત્યની એક ફરજ છે. અમે આ પુસ્તક એટલા માટે તૈયાર કર્યું છે કે અમારાં સેવાકાર્યોની વિગતો સહુ સુધી પહોંચે. દાનનો મહિમા લોકોની જાણમાં આવે તેનાથી પુણ્યશાળીઓ દાન આપવા પ્રેરાય એ પણ આ પુસ્તક તૈયાર કરવા પાછળની અમારી ભાવના છે.
જે દાતાઓ અમને સતત પીઠબળ આપતા રહ્યા છે તેઓ પુસ્તકમાંની સેવાકાર્યોની વિગતો વાંચીને સંતોષ અનુભવશે કે અમે યોગ્ય સંસ્થાને સાથ આપ્યો છે અને અમારા દાન થકી જરૂરિયાતમંદોને શાતા પહોંચી છે,” સમસ્ત મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઈ શાહ (Girishbhai Shah) પુસ્તક તૈયાર કરવા પાછળના પ્રયોજન વિશે જણાવે છે.
છેલ્લાં 19 વરસથી સમગ્ર દેશમાં સમસ્ત મહાજન ઉત્કૃષ્ટ સેવાકાર્યો કરવા સાથે નખશિખ પારદર્શકતા અને ખંત માટે જાણીતી છે. ચલો કુછ અચ્છા હો જાયે પુસ્તકમાં ઉપલબ્ધ વિગતો વાંચનારને સંસ્થા અને તેના સંચાલકો તથા કાર્યકર્તાઓ માટે માનની લાગણી થશે. લૉકડાઉનમાં દેશ આખો ચેપી રોગથી બચવાના ભયથી ઘરમાં બંધાયો હતો ત્યારે સમસ્ત મહાજનના હજારો સાથીઓ જીવની પરવા કર્યા વિના સેવારત હતા.
ક્યાંક કોઈક પગપાળા વતન જવા નીકળેલા નાગરિકોને ચા-પાણીથી લઈને ભોજન પૂરું પાડી રહ્યા હતા. ક્યાંક વળી કોઈક રોટી બેન્ક નામની અનોખી યોજના થકી રોજેરોજ હજારો ઘરમાં તૈયાર ભોજન પહોંચાડી રહ્યા હતા.ક્યાંક વળી કોઈક નિરાધાર પશુઓનાં ચારા-પાણીની, પક્ષીઓના ચણની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત હતું. ક્યાંક કોઈક એરપોર્ટમાં અટવાયેલા કર્મચારીઓની સગવડો સાચવવામાં હતા. એ બધાં ઉપરાંત અનેક નાની સંસ્થાઓથી લઈને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી વિરાટ સંસ્થાઓ સાથે ખભેખભા મિલાવીને પણ સેવા થઈ રહી હતી.
આટલું ઓછું હોય તેમ હજારો કિલોમીટરનો પગપાળા પ્રવાસ કરીને વતન પહોંચનારા મજૂરોને રોજીરોટી મળે તથા તેમના ગામની પાણીની સમસ્યાનો પણ કાયમી નિવેડો આવે એવા આશય સાથે તળાવો ઊંડાં કરવાં, નવાં તળાવ ખોદાવવાં જેવાં કામ પણ થયાં. યાદી બહુ લાંબી છે. સમસ્ત મહાજને કરેલાં કાર્યોના વ્યાપને અને તેના મહત્ત્વને સમજવા સૌએ આ પુસ્તક વાંચવું રહ્યું.
ગિરીશભાઈ ઉમેરે છે, “સરકારી અને સ્વાસ્થ્યલક્ષી નિયમોનું અક્ષરશઃ પાલન કરતાં કરતાં લૉકડાઉનમાં સેવાકાર્યો કરવાં આસાન નહોતાં. જે સેવા કરે એની સુરક્ષા પણ અમારે જોવાની હતી. પરમાત્માની કૃપાથી અમે નિયમોનું પાલન ત્યારે પણ કરી શક્યા અને હાલમાં પણ દરેક સેવાકાર્યમાં કરી રહ્યા છીએ. સંતોષ એ વાતનો પણ ખરો કે અમારાં કાર્યોમાં અમને દાતાઓ સાથે અનેક અધિકારીઓ અને રાજકીય આગેવાનોનો પણ સબળ સાથ મળ્યો. કોરોનાનો સંકટકાળ જાય નહીં ત્યાં સુધી અમે લગાતાર સેવાકાર્યો કરવાને પ્રતિબદ્ધ છીએ.”
સમસ્ત મહાજનના આ પુસ્તકને ડિજિટલ સ્વરૂપે અથવા પુસ્તકરૂપે મેળવવા 9820020976 મોબાઇલ નંબર પર સંપર્ક સાધી શકાય છે, અથવા [email protected] પર ઇમેઇલ કરી શકાય છે.