Western Times News

Gujarati News

અમદાવાદના સરસપુરમાં કોવીડ કેર સેન્ટરનો પ્રારંભ

સંત કબીર હોસ્પિટલમાં નિર્માણ પામેલ કોવિડ કેર સેન્ટર ગરીબ અને મધ્યમવર્ગીય માટે આશીર્વાદરૂપ બની રહેશે-શ્રી પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદના સરસપુર વિસ્તારમાં સંત કબીર કોવિડ કેર સેન્ટરનો આરંભ કરાવતા  ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોવીડ મહામારી સામે વિજય પ્રાપ્ત કરવા માટે ગુજરાત કટિબદ્ધ છે.

કોવીડ કેર સેન્ટરના લોકાર્પણ પ્રસંગે ગુજરાત સરકાર દ્વારા કોવીડના સંક્રમણને નિયંત્રિત કરવા માટે લેવાઈ રહેલા સંખ્યાબંધ પગલાઓની વિગતો આપતા કહ્યું હતું કે,રાજ્યભરમાં ૧૫ માર્ચે માત્ર ૪૫ હજાર પથારી ઉપ્લબ્ધ હતી, જે આજે વધીને એક લાખે પહોંચી છે. આમ,  નાગરિકોને આરોગ્યસુવિધાઓ પૂરી પાડવા માટે  રાજ્ય સરકાર શક્ય તમામ પ્રયાસો કરી રહી છે.

શ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ,કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતાં ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ  માટે આ આઇસોલેશન  સેન્ટર આશીર્વાદરૂપ બની રહેશે.

સંત કબીર  કોવિડ કેર સેન્ટરમા ૩૦ ઓક્સિજન બેડ અને ૨૦ સામાન્ય બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક તબીબ, નર્સિંગ સ્ટાફ, કોરોના ગ્રસ્ત દર્દીઓની સેવામાં તહેનાત રહેશે. સારવાર મેળવી રહેલા દર્દીઓને ભોજનની તમામ વ્યવસ્થા પુરી પાડવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગૃહરાજ્યમંત્રી શ્રીએ  કોવીડ મહામારીને નાથવામાં સમાજના સહયોગની સરાહના કરતા જણાવ્યું હતું કે, સમાજના શ્રેષ્ઠીઓની અમાપ શક્તિઓ અને સંવેદનાના કારણે જ આપણે સૌ કોરોનાને કાબૂમાં રાખવામાં સફળ રહ્યા છીએ.

ગુજરાતની જનતાને આરોગ્ય સુવિધાઓમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે માટે રાજ્યમાં બે લાખથી વધુ તબીબી સ્ટાફ( ડોક્ટર્સ, નર્સ,પેરા-મેડિકલ સ્ટાફ) 24X7 કાર્યરત છે.

ગૃહરાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અમદાવાદ શહેરમાં કોવીડ કેસમાં અસાધારણ વૃદ્ધિ થતા રાજ્ય સરકારે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સરકારી અને ખાનગી હોસ્પિટલોની મદદથી કોવીડ મેનેજમેન્ટની વ્યૂહરચના ઘડી કાઢી છે. જે મુજબ ૧૧ સરકારી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્ત કરવામાં આવી છે.

જેમાં બેડની સંખ્યા ૫ હજારથી વધુ છે. આ ઉપરાંત ૧૭૧ ખાનગી હોસ્પિટલોને કોવીડ હોસ્પિટલ તરીકે નિયુક્તિ કરી છે. જેમાં બેડની સંખ્યા – ૭,૭૦૬ એ પહોંચી છે. આ હોસ્પિટલોમાં વધારાના બેડ ઉમેરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.

સમાજના અગ્રણી શ્રી મહેશ સિંહ  કુશવાહ અને સરસપુર વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશસિંહ કુશવાહના સંયુક્ત પ્રયાસોથી  કાર્યરત કરવામાં આવેલ  સંત  કબીર કોવિડ કેર સેન્ટર માટે ગૃહ રાજ્ય મંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.

કોવીડ કેર સેન્ટરના શુભારંભ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર શ્રી કિરીટભાઈ પરમાર, ડેપ્યુટી મેયર શ્રીમતી ગીતાબેન , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી, સરસપુર મતવિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી દિનેશભાઈ કુશવાહ, શ્રી ભાસ્કરભાઈ ભટ્ટ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.